New Delhi,તા.10
ભારતમાં હવે મોબાઈલ ઈન્ટરનેટ ક્ષેત્રે એક નવી તકનો પ્રારંભ થાય તેની ઘડીઓ ગણાઈ રહી છે. અમેરીકાની સ્ટારલીંક કંપનીને ભારતમાં તેની હાઈસ્પીડ સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા શરૂ કરવા માટે તમામ પ્રકારની મંજૂરી મળી ગઈ છે.
એક વખત આ સેવા શરૂ થયા બાદ દેશના અત્યાર સુધી ઈન્ટરનેટ સુવિધાથી વંચીત રહેલા ક્ષેત્રો સહિત દેશભરમાં સેટેલાઈટ મારફત ઈન્ટરનેટ સીગ્નલો મળવા લાગશે.
તેની સ્પીડ પણ હાલની ઈન્ટરનેટ સેવા કરતા અનેકગણી વધુ હશે. જોકે પ્રારંભમાં આ સેવાઓ મોંઘી હશે. રૂા.34 હજારનું મોડેમ અને અન્ય પ્રકારની ફી ભર્યા બાદ ખરેખર તેની સેવાનો ભાવ શું હશે તે હવે નકકી થશે.
અમેરિકાના ઉદ્યોગપતિ એલન મસ્કનો આ રીતે ભારતમાં પ્રથમ બીઝનેશ પણ પ્રારંભ થશે. સ્ટારલીંક સ્પેસએકસ એ એક હાઈસ્પીડ ઈન્ટરનેટ પ્રોજેકટ છે અને પૃથ્વી ઉપર ઉપગ્રહ મારફત આ ઈન્ટરનેટ સેવાઓ મળે છે ખાસ કરીને તેના કારણે કનેકટીવીટીની સમસ્યા રહેતી નથી. અને દૂર દૂરના વિસ્તારોમાં કેબલ વગેરેની ઝંઝટ પણ રહેતી નથી.
આ માટેના સ્પેકટ્રક સ્ટારલીંકને સરકાર ટુંક સમયમાં જ ફાળવી દેશે અને તે સાથે જ ટેસ્ટીંગ શરૂ થઈ જશે અને ખરેખર સેવા ચાલુ થયે બે કે ત્રણ મહિનાનો સમય રહેશે. સ્ટારલીંક હાલ દુનિયાભરમાં નીચી ભ્રમણ કક્ષાએ 6750 ઉપગ્રહ ધરાવે છે અને કંપની બે વર્ષ માટે 42 હજાર કરવાની તૈયારી રાખે છે.