Ahmedabad,તા.૨૭
નવરાત્રી પર્વ પૂર્ણ થયા બાદ આવતી વિજયાદશમીના તહેવાર પર વિજયોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વિજયાદશમી પર્વની અમદાવાદમાં તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. આ વર્ષે અમદાવાદમાં ૯થી ૧૦ સ્થળોએ રાવણના પૂતળાનું દહન થવાનું છે. જેમાં અમરાઈવાડીમાં નાગરવેલ હનુમાન વિસ્તારમાં ૫૧ ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન થશે. અહીં વર્ષોથી રાવણ દહન પહેલા રામલીલાનું પણ આયોજન થાય છે.
હાલ દેશભરમાં નવરાત્રી પર્વનો ધમધમાટ ચાલી રહ્યો છે. જે પૂર્ણ થતા દશેરાના દિવસે અસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પ્રતિક એવા વિજયાદશમી પર્વની ઉજવણી થવાની છે. ત્યારે રામોલમાં વર્ષોથી રાવણ દહન માટે રાવણના પૂતળા બનાવવામાં આવે છે. જ્યાં છેક ઉત્તરપ્રદેશ રાજ્યથી કારીગરો અમદાવાદમાં રાવણના પૂતળા બનાવવા પહોંચી જાય છે અને બે મહિના પૂર્વે જ રાવણના પૂતળા બનાવવાની શરૂઆત થઈ જાય છે.
રાવણના પૂતળા વ્યવસાય સાથે જોડાયેલા મોસિન ખાન જણાવે છે કે, આ વખતે રાવણના પૂતળા દહન માટે બુકિંગ વધ્યા છે. અમદાવાદમાં કર્ણાવતી ક્લબ, હરેકૃષ્ણ મંદિર ભાડજમાં, ઇસ્કોન મંદિર, મણિનગર, ભુવલડી, દહેગામ, ઇફકો ફેક્ટરી, કલોલ સહિત જગ્યાએ રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. જેમાં સૌથી ઊંચા રાવણના પૂતળાનું દહન અમરાઇવાડી નાગરવેલ હનુમાન મંદિર વિસ્તારમાં ૫૧ ફૂટ ઊંચો રાવણના પૂતળાનું દહન થશે. અહીં વર્ષોથી પરંપરાગત રીતે રાવણ દહન પહેલા રામલીલાનું આયોજન પણ કરવામાં આવે છે અને આ રામલીલામાં રામાયણના અલગ-અલગ પાત્રો રામાયણ ભજવે છે.
આ ઉપરાંત ભાડજ હરેકૃષ્ણ મંદિરે ત્રણ પૂતળા, રાવણ, મેંઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન થશે. સાથે જ રબારી કોલોની, ચાંદખેડામાં પણ રાવણ દહન થશે. માત્ર અમદાવાદ જ નહીં રાજ્યમાં પણ અલગ-અલગ જગ્યાએ રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. જેમાં દ્વારકામાં સૌથી ઊંચા ૬૫ ફૂટ ઊંચાઈ ધરાવતા રાવણના પૂતળાનું, જ્યારે વડોદરામાં ૬૧ ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન થશે. આ ઉપરાંત રાજ્યમાં રાજકોટમાં ૩ જગ્યાએ, લાલપુરમાં ૩ જગ્યાએ, જામનગરમાં ૩ જગ્યાએ, મીઠાપુરમાં ૩ જગ્યાએ અને નડિયાદ, આણંદ અને મહેમદાબાદમાં પણ રાવણ દહનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.