Jamnagar,તા.15
જિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કર તથા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ દ્વારા કલેકટર કચેરીના સભાખંડ ખાતે આગામી તા.16/02/2025 (રવિવાર) ના રોજ યોજાનાર ધ્રોલ, કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ જામનગર તાલુકા પંચાયત મતદાર મંડળમાં સમાવિષ્ટ 14-જામવંથલી તાલુકા પંચાયત મતદાર વિભાગ અને જોડીયા તાલુકામાં સમાવિષ્ટ 8-જોડીયા-3 તાલુકા પંચાયત મતદાર વિભાગની પેટા ચૂંટણીઓ અન્વયે પત્રકાર પરિષદ સંબોધી ચૂંટણી સંદર્ભે કરવામાં આવેલ પૂર્વ તૈયારીઓની ઝીણવટભરી વિગતો આપી હતી.
નોંધાયેલ મતદારો વિશે વિગતો આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યુ હતુ કે, ધ્રોલ નગરપાલિકા વિસ્તાર માટે 11,166 પુરુષ, 11,175 સ્ત્રી તેમજ અન્ય 2 મતદાર મળી કુલ 22,343, કાલાવડ નગરપાલિકા વિસ્તાર માટે 12,014 પુરુષ, 11,528 સ્ત્રી તેમજ અન્ય 1 મતદાર મળી કુલ 23,543, જામજોધપુર નગરપાલિકા વિસ્તાર માટે 10,820 પુરુષ, 10,257 સ્ત્રી મળી કુલ 21,077 તેમજ 14-જામવંથલી (તા.જામનગર ગ્રામ્ય) વિસ્તાર માટે 3609 પુરુષ, 3343 સ્ત્રી મળી કુલ 6,952 મતદારો નોંધાયેલા છે.
મતદાન મથકોની વિગતો આપતા જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યુ કે, ધ્રોલ નગરપાલિકા માટે કુલ મતદાન મથકોની સંખ્યા 21, સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા 18 તેમજ 3 સામાન્ય મતદાન મથકો રહેશે.
કાલાવડ નગરપાલિકા માટે કુલ મતદાન મથકોની સંખ્યા 27, સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા 22 તેમજ 5 સામાન્ય મતદાન મથકો રહેશે. જામજોધપુર નગરપાલિકા માટે કુલ મતદાન મથકોની સંખ્યા 26, સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા 18 તેમજ 8 સામાન્ય મતદાન મથકો રહેશે. જ્યારે 14-જામવંથલી (તા.જામનગર ગ્રામ્ય) માટે કુલ મતદાન મથકોની સંખ્યા 9, સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા 9 મતદાન મથકો રહેશે.
સામાન્ય ચૂંટણી હેઠળની નગરપાલિકાઓ તેમજ પેટા ચૂંટણી હેઠળના તાલુકા પંચાયત મતદાર મંડળમાં રજુ થયેલ ઉમેદવારીપત્રોની વિગતો જિલ્લા કલેકટરશ્રીએ રજૂ કરી હતી. જે મુજબ ધ્રોલ નગરપાલિકા માટે કુલ ભરાયેલ ફોર્મ 122, પરત ખેંચાયેલ ફોર્મ 2, રદ થયેલ ફોર્મ 35 તેમજ હરીફ ઉમેદવાર 85 છે. કાલાવડ નગરપાલિકા માટે કુલ ભરાયેલ ફોર્મ 99, રદ થયેલ ફોર્મ 31, બિન હરીફ જાહેર થયેલ ઉમેદવાર 1 તેમજ હરીફ ઉમેદવાર 67 છે. જામજોધપુર નગરપાલિકા માટે કુલ ભરાયેલ ફોર્મ 110, રદ થયેલ ફોર્મ 30 તેમજ હરીફ ઉમેદવાર 80 છે. જ્યારે 14-જામવંથલી માટે કુલ ભરાયેલ ફોર્મ 4, રદ થયેલ ફોર્મ 02 તેમજ હરીફ ઉમેદવાર 2 જાહેર થયેલ છે.
સ્થાનિક સ્વરાજયની ચૂ્ંટણી અન્વતયે ફાળવવામાં આવેલ ઈ.વી.એમ.ની વિગતો રજુ કરતા કલેકટરશ્રીએ જણાવ્યુ કે ધ્રોલ નગરપાલિકાના 21 મતદાન મથકો માટે 58 બી.યુ., 33 સી.યુ. મળી 91, કાલાવડ નગરપાલિકા માટે 27 મતદાન મથકો માટે 70 બી.યુ., 39 સી.યુ. મળી 109, જામજોધપુર નગરપાલિકા માટે 26 મતદાન મથકો માટે 68 બી.યુ., 39 સી.યુ. મળી 109 તેમજ 14-જામવંથલીના 9 મતદાન મથકો માટે 11 બી.યુ., 11 સી.યુ. મળી 22 ઈ.વી.એમ. ફાળવવામાં આવેલ છે.
ઉપરોક્ત વિસ્તારો માટે કુલ 14 ઝોનલ અને 14-મદદનીશ ઝોનલ ઓફીસરની નિમણૂંક કરવામાં આવેલ છે. ચૂ્ંટણીઓ અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને ચૂંટણી આચારસંહિતાનું અસરકારક અમલીકરણ થાય તે માટે હથીયારબંધી, જુથબંધી, સાહિત્ય પ્રકાશન, સભા-સરઘસ, લાઉડ સ્પીકર, જાહેરાત પ્રદર્શન, વાહન પરમીટ, પેઇડ ન્યુઝ/કેબલ ટી.વી. પ્રસારણ, ચૂંટણી કાર્યાલય, મતદાનના દિવસે મતદાન મથક ખાતે તથા મતગણતરીના દિવસે મત ગણતરી સ્થળ ખાતે મોબાઇલ લાવવા પર પ્રતિબંધ વિગેરે બાબતો અંગેના કુલ-20 જાહેરનામાઓ બહાર પાડવામાં આવેલ છે. તેમજ કુલ-478 જેટલા સ્ટાફને ચૂંટણી ફરજ સોંપવામાં આવેલ છે અને તમામ મતદાન સ્ટાફને કુલ-3 તબકકામાં ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવેલ છે. જ્યારે કુલ-35 સેવા મતદારોને ટપાલ મતપત્રો ઇસ્યુ કરવામાં આવેલ છે.
આગામી તા.16/02/2025 ના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીઓમાં મતદાનનો સમય સવારના 07-00 વાગ્યાથી સાંજના 06-00 વાગ્યા સુધી નકકી કરવામાં આવેલ છે. આ માટે મતદાનના દિવસે તા.16/02/2025 (રવિવાર) ના રોજ જિલ્લા કક્ષાએ તેમજ ચૂંટણી અધિકારીશ્રીઓની કચેરી ખાતે ચૂંટણી અંગેની ફરીયાદો માટે રાઉન્ડ ધ કલોક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલ છે. જે કંટ્રોલરૂમના સંપર્ક નં.(0288) 2541960 છે. તેમજ સરકારી કચેરીઓ કે સંસ્થાઓના કર્મચારીઓ/કામદારો પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે મતદાનના દિવસે રજા જાહેર કરવા અંગેનો પણ આદેશ કરવામાં આવેલ છે.
સામાન્ય ચૂંટણી હેઠળની નગરપાલિકાઓ તેમજ પેટા ચૂંટણી હેઠળના તાલુકા પંચાયત મતદાર મંડળની મતગણતરી આગામી તા.18/02/2025 ના રોજ સવારના 09-00 કલાકથી ધ્રોલ નગરપાલિકા માટે મિટીંગ હોલ, બીજો માળ, પ્રાંત અધિકારીશ્રીની કચેરી, ધ્રોલ, કાલાવડ નગરપાલિકા માટે રૂમ નં.3, મ્ચુનિસીપલ હાઇસ્કુલ, કાલાવડ, જામજોધપુર નગરપાલિકા માટે મઘ્યસ્થ ખંડ, શ્રી એવીડીએસ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, જામજોધપુર તેમજ 14-જામવંથલી વિસ્તાર માટે મિટીંગ હોલ, બીજો માળ, મહેસૂલ સેવા સદન, જામનગર ખાતે યોજવામાં આવશે.
પોલીસ, એસઆરપી, હોમગાર્ડ સહિતની ટીમો દ્વારા બંદોબસ્ત
પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જણાવ્યુ હતુ કે નગરપાલિકા અને તાલુકા પંચાયત મતદાર મંડળમાં સમાવિષ્ટ તમામ મતદાન મથકો ખાતે 200-પોલીસ કો. તેમજ 200-હોમગાર્ડ જવાનો અને 8-રાજય અનામત દળ પોલીસ અન્ય ચૂંટણીલક્ષી બંદોબસ્ત માટે 4-એ.એસ.પી-ડી.વાય.એસ.પી, 6-પોલીસ ઇન્સ્પેકટર, 2-પોલીસ સબ ઇન્સ્પેકટર, બુથ બંદોબસ્ત માટે 60-પોલીસ કો. તેમજ 112-હોમગાર્ડ જવાનોની ફાળવણી કરવામાં આવેલ છે.તદુપરાંત ચૂંટણી હેઠળના વિસ્તારોમાં કોન્ફીડન્સ બિલ્ડીંગના ભાગરૂપે પોલીસ દ્વારા ફલેગ માર્ચ યોજવામાં આવેલ છે તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવેલ છે.