Rajkot,તા.૮
રાજ્યભરમાં ઉદ્યોગોના વિકાસની વણથંભી યાત્રા ચાલી રહી છે, ત્યારે ઉદ્યોગોના હબ ગણાતા રાજકોટ શહેરમાં પણ ઔદ્યોગિક વિકાસ ફૂલ્યોફાલ્યો છે. ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા રાજ્ય સરકાર દ્વારા અથાગ પ્રયાસ કરવામાં આવે છે. જેના માટે સરકારની વિવિધ યોજનાઓ પણ કાર્યરત છે. જે એમએસએમઇ અને નવા સ્ટાર્ટઅપ્સને પણ પ્રોત્સાહિત કરે છે. આ ઉપરાંત દર વર્ષે વાઇબ્રન્ટ સમિટ પણ યોજાય છે. જોકે આ વાઇબ્રન્ટ સમિટ અત્યાર સુધીમાં માત્ર ગાંધીનગરમાં યોજાતી હતી, પરંતુ હવે સરકાર દ્વારા અલગ અલગ ઝોનમાં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે આગામી સમયમાં રાજકોટ શહેરમાં પણ આ વાઇબ્રન્ટ સમિટ યોજાશે અને અલગ અલગ યોજનાના કારણે રાજકોટના ઉદ્યોગોને એક નવી દિશા મળી છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી. પી. વૈષ્ણવે જણાવ્યું કે, ગુજરાતના વિકાસ માટે રાજકોટના વિકાસની ખાસ જરૂર છે. રાજ્ય સરકારના સંપૂર્ણ સાથ અને સહકારથી છેલ્લા ૫ વર્ષમાં રાજકોટ વેગવંતુ બન્યું છે. શહેરમાં સ્જીસ્ઈ સેક્ટરને નાના ઉદ્યોગકારોને વેગ આપવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો સંપૂર્ણ સાથ અને સહકાર રહ્યો છે. ગયા બજેટમાં નિર્મલા સીતારમણે એમએસએમઇ સેક્ટરને ઘણું પ્રોત્સાહન મળ્યું છે.
વાઇબ્રન્ટ સમિટથી ગુજરાત ન માત્ર ભારતમાં જ પણ સંપૂર્ણ વિશ્વમાં ઉદ્યોગ ક્ષેત્રે એક ક્રાંતિ લઈને આવ્યું છે. દર વર્ષે આ વાઇબ્રન્ટ સમિટ ફક્ત ગાંધીનગરમાં જ યોજાતી હતી, પરંતુ આગામી સમયમાં રાજ્ય સરકારે આ સમિટને જુદા જુદા ચાર ઝોનમાં વિભાજીત કરી યોજવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાદ આનંદની વાત એ છે કે, સૌરાષ્ટ્ર ઝોનની વાઇબ્રન્ટ સમિટ અહીં રાજકોટ શહેરમાં યોજાશે અને શહેરનાં વિકાસને પણ વેગ મળશે.
ચેમ્બર ઓફ કોમર્સના ટ્રેઝરર વિનોદ કાછડીયાએ જણાવ્યું કે, છેલ્લા દસ વર્ષમાં સરકારની નીતિથી રાજકોટનો ખૂબ સારો વિકાસ થઈ રહ્યો છે. ઔદ્યોગિક ક્ષેત્રે આપણું ગુજરાત એક લીડિંગ સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે. જેનું ખાસ કારણ સરકાર દ્વારા દર વર્ષે યોજાતી વાઇબ્રન્ટ સમિટ છે. આ સમિટ થકી જ ગુજરાતમાં નવા નવા ઉદ્યોગો આવે છે અને નવા એમઓયુ થાય છે. સાથે જ સ્જીસ્ઈ અને સ્ટાર્ટઅપને લગતી વિવિધ પ્રોત્સાહક નીતિઓ અને યોજનાઓ થકી ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે ગુજરાતનો ખુબ જ સારો ગ્રોથ થયો છે.
ગુજરાત સરકારની વિવિધ સેક્ટર માટે જાહેર યોજનાઓ જે-તે ક્ષેત્ર સુધી પહોંચી શકે કે માટે સરકાર સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે, તે અંગે વધુ પ્રયાસ કરવામાં આવે એવી મારી સરકારને રજૂઆત છે. સાથે સાથે ગુજરાત સરકારે આગામી પાંચ-દસ વર્ષ માટે ઉદ્યોગ ક્ષેત્રે લગતા જે રોડ મેપ તૈયાર કર્યો છે, તેના માટે ગુજરાતના લીડિંગ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનો સાથે મિટિંગ કરવી જોઈએ અને ચર્ચા થવી જોઈએ કે, આગામી વર્ષોમાં આ ક્ષેત્રે સામાન્ય જરૂરિયાતો જરૂરી છે, જેથી વધુમાં વધુ વિકાસ થશે. માટે આ બાબતે સરકારે આયોજન કરવું જોઈએ. સાથે જ સરકાર દ્વારા ઉદ્યોગ ક્ષેત્રે લાદવામાં આવતો પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરવા પણ રજૂઆત કરાઈ છે.