Chennai તા.15
દેશમાં ખાસ કરીને દક્ષિણ ભારતમાં હિન્દી ભાષા સામે સતત વિરોધ વચ્ચે તામિલનાડુ સરકારે રાજયમાં હિન્દીના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાની તૈયારી કરી છે જેમાં હિન્દીમાં હોર્ડીંગ કે અન્ય પ્રકારે માહિતી પ્રદર્શિત કરી શકાશે નહી.
એટલું જ નહી હિન્દી ફિલ્મો અને હિન્દી ફિલ્મોના ગીતો પર પણ પ્રતિબંધની તૈયારી છે. વિધાનસભાના અંતિમ દિવસે આ અંગેનો એક ખરડો રજુ કરવામાં આવશે. જો કે તે મુદે કાનૂની લડાઈ સર્જાવાની શકયતા છે.
હજુ આ વર્ષે રાજયના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને એવું કહ્યું કે જો કેન્દ્ર સરકાર અમારા પર હિન્દી લાદવા માંગતી ન હોય કે થોપી બેસાડવા પ્રયત્ન કરતી ન હોય તો અમે હિન્દીનો વિરોધ કરશુ નહી પરંતુ કેન્દ્ર સરકારનો ઈરાદો જોતા અમારે પ્રતિબંધ મુકવા સિવાય કોઈ વિકલ્પ નહી રહે.
કેન્દ્ર સરકારે ત્રણ ભાષાની ફોર્મ્યુલા અપનાવી છે તેમાં હિન્દીનો સમાવેશ થાય છે જયારે તામિલનાડુમાં બે ભાષાની ફોર્મ્યુલા એટલે એક સ્થાનીક તથા બીજી ઈંગ્લીશ એમ બે ભાષા જ સ્વીકાર્ય બની છે.
શાળાના શિક્ષણમાં પણ બે ભાષાની ફોર્મ્યુલા અપનાવાઈ છે જયારે કેન્દ્રની ત્રણ ભાષાની ફોર્મ્યુલાને તામિલનાડુ સરકારે દક્ષિણના રાજયો સાથેની છેતરપીંડી ગણાવી હતી અને કહ્યું હતું કે નેશનલ પોલીસીના નામે હિન્દી થોપવાનો પ્રયત્ન થાય છે જે અમને સ્વીકાર્ય નથી.