New Delhi,તા.5
ઓનલાઈન છેતરપીંડી પર લગામ કસવા તથા ડીજીટલ પારદર્શકતા વધારવા માટે ટેલીકોમ વિભાગે મોબાઈલ નંબર વેલીડેશનનો નવો મુસદો તૈયાર કર્યો છે. સુચિત નિયમો હેઠળ મોબાઈલ નંબર વેરીફીકેશન માટે તમામ એજન્સીઓએ ટેલીકોમ વિભાગનાં પ્લેટફોર્મનો જ ઉપયોગ કરવો પડશે તથા દરેક વેરીફીકેશન પર ચાર્જ ચુકવવો પડશે.
ટેલિકોમ વિભાગની દરખાસ્ત મુજબ બેંક, ફીનટેક તથા અન્ય ડીજીટલ સેવા માટે યુઝરનાં મોબાઈલ નંબર વેરીફાઈ કરવા ટેલીકોમ વિભાગનાં જ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો પડશે. બેંકોએ પ્રતિ વેરીફીકેશન રૂા.1.50 તથા અન્ય સંસ્થાઓએ રૂા.3 નો ચાર્જ ચુકવવો પડશે નકલી અથવા શંકાસ્પદ નંબરોને 90 દિવસમાં બંધ કરી શકાશે.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે દેશમાં કરોડો પરિવારો પાસે એક જ મોબાઈલ નંબર હોય છે અને આખો પરિવાર એક જ મોબાઈલનો ઉપયોગ કરતો હોય છે. પેન્શનથી માંડીને ડીજીટલ શિક્ષણ તથા બેંકીંગ કામગીરીમાં આ એક જ મકોબાઈલ નંબરનો ઉપયોગ થતો હોય છે.આ સંજોગોમાં દરેક ક્ષેત્ર માટે અલગ મોબાઈલ નંબરની જરૂરીયાત થાય તો ગ્રામીણ તથા નિમ્ન વર્ગ મોટાભાગે પ્રભાવીત થઈ શકે છે.
આજ રીતે મોબાઈલ નંબર વેરીફીકેશનથી નાના વેપારીઓ તથા સ્ટાર્ટઅપ માટે પડકાર બની શકે છે. 10,000 યુઝર્સ ધરાવતી એપને દર મહિને રૂા.20,000 નો વેરીફીકેશન ખર્ચ થશે. ફૂડ ડીલીવરી, કેબ સર્વીસ, ઓનલાઈન શોપીંગ જેવી સેવાઓ મોંઘી થઈ શકે છે.
કયુઆર કોડથી પેમેન્ટ મેળવતા વેપારીઓ ડીજીટલ ટ્રાન્ઝેકશનથી પીછેહઠ કરી શકે છે. એવો અંદાજ મુકવામાં આવ્યો છે કે મોબાઈલ નંબર વેરીફીકેશન મારફત સરકારને કરોડો રૂપિયાની વાર્ષિક કમાણી થશે સામે આમ આદમી પર સીધો આર્થિક બોજ પડશે.
સુચિત નિયમોથી પડનારા નાણાંકીય બોજને મોટી કંપનીઓ ઝીલી શકશે પરંતુ નાના વર્ગનો મરો થઈ જશે. સ્પર્ધાના યુગમાં નાના વેપારીઓ પાછળ રહી જશે અને મોટી કંપનીઓ વધુ મજબુત થશે.