New Delhi, તા.29
આગામી રવિવારે રજુ થનારા કેન્દ્રીય બજેટમાં નાણાં મંત્રી નિર્મલા સિતારામન પગારદાર વર્ગ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરે તેવા સંકેત છે. ખાસ કરીને દેશમાં સોશ્યલ સિક્યુરીટીને વેગ આપવા માટે પ્રોવિડન્ટ ફંડ માટે પગારની મર્યાદા જે હાલ રૂા.15 હજાર છે તે વધારીને રૂા.25 હજાર કરવાની જાહેરાત કરે તેવી શક્યતા છે.
જેના કારણે વધુ એક મોટો વર્ગ પ્રોવિડન્ટ ફંડ યોજનામાં સામેલ થઇ જશે. આ અંગે પ્રોવિડન્ટ ફંડ ટ્રસ્ટી બોર્ડ સમક્ષ જે પ્રસ્તાવ હતો તેના પર વિચારણા ચાલુ છે. અગાઉ 2014માં આ મર્યાદા વધારવામાં આવી હતી અને 12 વર્ષ બાદ વધુ એક વખત તેના પર વિચારણા થઇ રહી છે અને નવી જોગવાઇ 1-એપ્રિલ-2026થી લાગુ થઇ શકે છે.
પ્રોવિડન્ટ ફંડની પગાર મર્યાદા રૂા.25 હજાર કરવા અગાઉ એક કેસમાં સુપ્રિમ કોર્ટે સરકારને સલાહ આપી હતી અને તેનાથી દેશમાં પ્રોવિડન્ટ ફંડ ધારકો માટે પણ રાહત થશે. વર્તમાન પગાર મર્યાદા વટાવી ગયેલા લાખો કર્મચારીને નવી મર્યાદાથી પ્રોવિડન્ટ ફંડમાં તેનું યોગદાન વધારવાની પણ તક મળશે.

