New Delhi,તા.29
દેશમાં સોના-ચાંદીના વ્યાપારને માટે સાનુકુળતા વધારવા અને કોમોડીટીમાં સૌથી મુલ્યવાન ગણાતી આ જણસોના વ્યાપારનું વૈશ્વિક હબ સર્જવા કેન્દ્ર સરકાર હવે એક મોટી યોજના અમલમાં મુકવા જઈ રહી છે.
ભારતમાં આંતરરાષ્ટ્રીય બુલીયન એકસચેંજના માધ્યમથી સોના-ચાંદીના વ્યાપારને વધારવા માટે તા.4 નવે.ના એક બેઠક ગુજરાતના ગાંધીનગર સ્થિત ગીફટ સીટીમાં નાણામંત્રી નિર્મલા સીતારામનના અધ્યક્ષપદ હેઠળ બેઠક યોજાશે.
જેમાં દેશમાં બુલીયન ટ્રેડીંગની હાલની સ્થિતિ, બેન્કોની ભાગીદારી અને વ્યાપારીક રીતે ટર્નઓવર વધારવા પર ચર્ચા થશે. બુલીયન એકસચેંજના પ્રતિનિધિઓ આ માટે બ્લુ પ્રિન્ટ રજુ કરશે અને તેની સાથે રિઝર્વ બેન્કની નિયમન પ્રક્રિયા સહિતની કામગીરી આંતરરાષ્ટ્રીય બેન્કોને જોડવા વિ. પર પણ એક મોડેલ તૈયાર કરાશે.
આ માટે જરૂર પડે તો હાલના જે આયાત-જકાત માળખુ છે તેમાં પણ ફેરફાર કરાશે. નાણા મંત્રાલયના એક વરીષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ સરકાર બુલીયન એકસચેંજના માધ્યમથતી સોના-ચાંદીના વ્યાપારને પણ પારદર્શક બનાવવા માંગે છે અને બેન્કો તથા વિદેશી સંસ્થાઓને પણ આ નવા આંતરરાષ્ટ્રીય-બુલીયન એકસચેંજમાં કેમ સામેલ કરી શકાય.
તેના પર વિચારણા કરાશે તથા ભારત-યુએઈ સમજુતી મુજબ સોનાની આયાત આ એકસચેંજ મારફત જ થઈ શકે તે નિશ્ચિત કરાશે. આ બેઠકમાં બુલીયન ટ્રેડીંગ સર્વિસ તથા બેન્કીંગ સાથે જોડાયેલા તમામને નિમંત્રણ અપાશે.
ખાસ કરીને નાના જવેલર્સને પ્રોત્સાહન મળે તે હેતુથી આ એકસચેંજનો રજીસ્ટ્રેશન માટેની ટર્નઓવર મર્યાદા રૂા.25 કરોડથી ઘટાડીને રૂા.15 કરોડ કરવા પણ તૈયારી છે. આ પ્લેટફોર્મ દેશમાં સોના-ચાંદીની કિંમત નકકી કરવામાં પારદર્શી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તે જોવાશે.

