Bhavnagar,તા.9
ગોહિલવાડના સુપ્રસિદ્ધ તીર્થ સ્થાન પૂજ્ય સંતશ્રી બજરંગદાસ બાપાની તપોભૂમિ બગદાણા તા.મહુવા ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ આગામી તા.10 જુલાઈને ગુરુવારે ધર્મમય માહોલ વચ્ચે ધામધૂમ થી ઉજવવામાં આવશે.
છેલ્લા કેટલાય દિવસોથી બંડીધારી બાપાના ગુરૂઆશ્રમ ખાતે ચાલી રહેલી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુરુ આશ્રમ ખાતેના કાર્યાલયથી ગુરુપુનમના દિવસના ઘોષિત થયેલા કાર્યક્રમ મુજબ સવારના પાંચ કલાકે મંગલા આરતી થશે. ત્યારબાદ ધ્વજા પૂજન અને ધજારોહાણ સાત કલાકથી થશે. ગુરુપૂજન 8:30 થી 9:30 કલાક વચ્ચે જ્યારે રાજભોગ આરતી, 9:30 થી 10 કલાક કે થશે. ત્યારબાદ સવારે 10 વાગ્યાથી પ્રસાદ વિતરણ શરૂ થશે.
મહિમા પૂર્ણ ગુરુપૂર્ણિમાના દિવસે આશરે 1 લાખથી પણ વધારે ભાવિકજનો બાપાના ચરણોમાં શીશ નમાવશે. અહીં આ તૈયારીઓને માટે તેમજ સુચારૂ વ્યવસ્થાના ભાગરૂપે તમામ આગોતરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અહીં રસોડા વિભાગમાં તેમજ અન્ય ચા-પાણી, દર્શન, પાર્કિંગ, સુરક્ષા જેવા વિભાગોમાં આશરે 100 ગામોના 4000 ભાઈઓ, તેમજ 25 થી વધુ ગામોના 2500 ઉપરાંત બહેનો સેવા આપશે.
રસોડા સહિતના સેવા કાર્યો માટે આજુબાજુના ગામોના 40 ટ્રેક્ટર પણ સેવામાં જોડાશે. ભોજન વ્યવસ્થામાં નવા રસોડે બહેનો માટે તેમજ ગોપાલગ્રામ ખાતે ભાઈઓને પ્રસાદ જમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આગોતરી વ્યવસ્થાના ભાગરૂપે સરકારી વિભાગો સાથે પણ કાર્ય સંકલન માટે અલગ અલગ સરકારી વિભાગો સેવા કે પાણી પુરવઠા, માર્ગ અને મકાન, આરોગ્ય, વીજળી, પોલીસ વગેરે વિભાગોના અધિકારીઓ સાથે સોમવારે એક મીટીંગ યોજાઇ હતી. પોલીસ વિભાગ દ્વારા અહીં ચુસ્ત બંદોબસ્ત રહેશે.
આ દિવસે પી.આઈ અને પીએસઆઇ 6, પોલીસ 150, હોમગાર્ડ 100 બંધોબસ્તમાં ફરજ બજાવશે. રાજ્ય પરિવહન નિગમની ખાસ ST બસ ભાવનગર, તળાજા, મહુવા, પાલીતાણા ડેપો તરફથી બગદાણા સુધી દોડાવવામાં આવશે.
108 તેમજ એમ્બ્યુલન્સ વાહનો અહીં સતત સ્ટેન્ડ બાય રહેશે. ઉપરાંત બગદાણા CHC અને બેલમપર phc આરોગ્ય કેન્દ્રો દ્વારા પ્રાથમિક સારવાર માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના આ ધન્ય અવસરે મોટી સંખ્યામાં પ્રતિવર્ષ ભક્તજનો ઉપસ્થિત રહે છે.ત્યારે રસોડા – ભોજનશાળા ખાતે શુધ્ધ ઘી ના લાડુનો 1000 મણ પ્રસાદ સહિત 500 મણ ગાંઠિયા,દાળ 150 મણ,ભાત 200 મણ, રોટલી 250 મણ તેમજ 500 મણ શાકભાજી તૈયાર કરશે.

