Ambala, તા.29
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ભારતીય હવાઈદળના અંબાલા એરફોર્સ સ્ટેશન પરથી અતિ આધુનિક રાફેલ લડાયક વિમાનમાં ઉડયા હતા. આ સાથે તેઓ હવાઈદળના આ આધુનિક વિમાનમાં ઉડનાર દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બની ગયા છે.
રાષ્ટ્રપતિને રાફેલ વિમાનની દિલધડક ઉડાન કરાવનાર પાઈલોટ પણ એક મહિલા હતા અને 20 મીનીટ સુધી રાષ્ટ્રપતિએ આ ઉડાન ભરી હતી. રાષ્ટ્રપતિ આ એરફોર્સ સ્ટેશન પર ઓપરેશન સિંદુર સમયે બહાદુરી બતાવનાર હવાઈદળના જવાનોને સન્માનીત કરાશે.
રાષ્ટ્રપતિને આગમન સમયે હવાઈદળના વડા અમરપ્રીતસિંઘ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા. અગાઉ તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભાદેવી સિંહ પાટીલે 2009માં સુખોઈ વિમાનમાં ઉડાન ભરી હતી.
જયારે દ્રૌપદી મુર્મુની લડાયક વિમાનમાં આ બીજી સફર છે. અગાઉ તેઓએ 2023માં આસામના તેજપુર હવાઈદળ મથક પરથી સુખોઈ-30 એમકેઆઈ વિમાનમાં ઉડાન ભરી હતી. દેશના સૈન્યના સર્વોચ્ચ કમાન્ડર તરીકે રાષ્ટ્રપતિનું અંબાલા એરફોર્સ બેઈઝ પર ગાર્ડ ઓફ ઓનર આપીને સ્વાગત કરાયુ હતું

