Rajkot, તા.8
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ રાજકોટ-સાસણ- ગીર સોમનાથ- દ્વારીકા બાદ અમદાવાદની મુલાકાત લેવાના છે. સાસણ અને રાજકોટ ખાતે રાત્રી રોકાણ કરશે. ગીર જંગલમાં સિંહ- કુદરતી સૌંદર્ય નીહાળી આદીવાસી પરિવારો સાથે મુલાકાત કરશે. સોમનાથ દાદા અને દ્વારીકાનગરી ખાતે આરતી પૂજન કરશે. ત્યાંથી અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપી દિલ્હી જવા રવાના થશે.
આજે સવારે હેલીકોપ્ટર દ્વારા સાસણ સુધી ચકકર લગાવવામાં આવ્યું હતું. આખરી ઓપ અપાઈ ચુકયો છે. તા.9/10/25ના બપોરના 3 કલાકે દિલ્હીથી રવાના થઈ 5 કલાકે રાજકોટ આવી પહોંચશે. ત્યાં સરકીટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે.
તા.10-10ના સવારે 10-30 કલાકે રાજકોટથી હેલીકોપ્ટર દ્વારા સોમનાથ પહોંચી 12 કલાકની આરતી પૂજન કરી સોમનાથથી ત્રણ વાગ્યાની આસપાસ હેલીકોપ્ટરથી સાસણ પહોંચશે. બપોરના જંગલમાં જવા રવાના થશે, બે કલાક સફારી પૂર્ણ કર્યા બાદ અડધો કલાક ગીર આદીવાસીઓની મુલાકાત કરી ગીરની પરંપરાઓ વિષે માહિતી મેળવશે.
સાસણ ખાતેરાત્રી રોકાણ કરી તા.11-10ના દ્વારીકા જવા રવાના થશે. દ્વારીકા ખાતે બપોરની આરતી દર્શન કરશે, દ્વારકાનો કાર્યક્રમ પૂર્ણ કરી હેલીકોપ્ટર દ્વારા જામનગર ત્યાંથી પ્લેનમાં અમદાવાદ રવાના થશે. અમદાવાદમાં 5 કલાકે ગુજરાત વિદ્યાપીઠના 71માં પદવી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી ત્યાંથી પરત દિલ્હી જવા રવાના થશે.
રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને સાસણ જંગલ સકારી બે દિવસ બંધ રહેશે. ઉપરાંત સોમનાથ દ્વારીકામાં રાષ્ટ્રપતિના આગમન સમયે સુરક્ષાને ધ્યાને લઈને યાત્રીકો માટે થોડીવાર દર્શન બંધ રહે તેવી શકયતાઓ પણ છે.
પોલીસ કમિશ્નરનું જાહેરનામુંઃ રાજકોટ શહેર `નો-ડ્રોન-ઝોન’ જાહેર
રાષ્ટ્રપતિના પ્રવાસ અને રાત્રિ રોકાણને લઈ સુરક્ષામાં સહેજ પણ કચાશ ન રહે તે હેતુથી પોલીસ કમિશ્નર દ્વારા મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજકોટ શહેરના તમામ વિસ્તારોને ‘નો-ડ્રોન-ઝોન’ જાહેર કરી દેવામાં આવ્યો છે.
આ જાહેરનામા અનુસાર, સુરક્ષાના કારણોસર શહેરના એક પણ વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ ડ્રોન ઉડાડી શકશે નહીં. સઘન પોલીસ બંદોબસ્ત સાથે શહેરમાં પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.
વહીવટી તંત્ર સજ્જ : 50 અધિકારીઓને જવાબદારી, ખાસ વોર્ડ તૈયાર
મહામહિમ રાષ્ટ્રપતિના રાજકોટ ખાતેના રાત્રિ રોકાણને લઈને કલેક્ટર તંત્ર દ્વારા સઘન તૈયારીઓ કરવામાં આવી છે. તેમની સુરક્ષા અને વ્યવસ્થાની જવાબદારી 50 જેટલા અધિકારીઓને સોંપવામાં આવી છે. કોઈપણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સર્કિટ હાઉસ તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે એક ખાસ વોર્ડ પણ ઊભો કરવામાં આવ્યો છે.