Veravalતા.3
દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવનારા 10 અને 11 ઓક્ટોબરે દ્વાદશ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે તેમજ ગીર જંગલની મુલાકાતે પધરશે. આ પ્રસંગે સમગ્ર જિલ્લામાં તૈયારીઓનો દોર તીવ્ર બન્યો છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, રાષ્ટ્રપતિ તા.10 ઓક્ટોબરના રોજ સોમનાથ હેલિપેડ પર આગમન કરશે અને બાદમાં સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિષ નમાવી મહાપૂજા, ધ્વજારોહણ અને જળાભિષેક વિધિમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિની આ ઐતિહાસિક મુલાકાતને લઈ મંદિર ટ્રસ્ટ, જિલ્લા વહીવટીતંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.
જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય તથા જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા અધિકારીઓ સાથે મેરેથોન બેઠક કરી રહ્યા છે. સોમનાથ હેલિપેડની સઘન ચકાસણી તથા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા સતત ચાલુ છે. રાષ્ટ્રપતિના સ્ટાફ માટે રહેવા-ઉતારાની વ્યવસ્થા પણ જિલ્લા તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની આ સંભવિત મુલાકાત માત્ર સોમનાથ જ નહિં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની રહેનાર છે.