Rajkotતા.3
ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આગામી તા.9ને ગુરુવારના સાંજના 7 વાગ્યે દિલ્હીથી ખાસ એરક્રાફટમાં રાજકોટ આવી પહોચનાર છે. રાષ્ટ્રપતી દ્રોપદી મુર્મુ તેઓની આ મુલાકાત દરમ્યાન તા.9ને ગુરુવારના રાત્રી રોકાણ રાજકોટના સર્કીટ હાઉસમાં કરનાર છે. ત્યારબાદ તેઓ શુક્રવારે વહેલી સવારે સાસણ (ગીર) પહોંચી સિંહ દર્શન કરનાર છે.
રાષ્ટ્રપતી દ્રોપદી મુર્મુનો તા. 9 થી 11નો સૌરાષ્ટ્ર પ્રવાસનો કાર્યક્રમ નકકી થયો છે. સુત્રોએ આ અંગે જણાવ્યું છે કે રાષ્ટ્રપતી દ્રોપદી મુર્મુ તા.9ને ગુરુવારના દિલ્હીથી ખાસ એરક્રાફટમાં સાંજના 7 વાગે રાજકોટના હિરાસર એરપોર્ટ પર આવી પહોચ્યા બાદ તેઓ સરકીટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે.
ત્યારબાદ તા.10ને શુક્રવારના વહેલી સવારે તેઓ હીરાસર એરપોર્ટથી ખાસ હેલીકોપ્ટર મારફત સાસણ પહોંચી સિંહ દર્શન કરશે. રાષ્ટ્રપતી દ્રોપદી મુર્મુ સુપ્રસિઘ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવના દર્શનાર્થે જાય તેવી પણ શકયતા રહેલી છે. આ ઉપરાંત રાજકોટના એક કાર્યક્રમમાં હાજરી આપે તેવી પણ સંભાવના રહેલી છે.
રાષ્ટ્રપતી દ્રોપદી મુર્મુના રાજકોટ સાસણના આ પ્રવાસ અંગે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જેમાં રાજકોટના ડે.કલેકટરો, મામલતદારો, ના.મામલતદારોને વિશેષ ફરજ કલેકટર દ્વારા સોપવામાં આવી છે.
સુરક્ષા માટે તમામ પગલા લેવામાં આવી રહયાં છે. રાજકોટના સર્કીટ હાઉસમાં રાષ્ટ્રપતી અને તેમનો કાફલો રાત્રી રોકાણ કરનાર હોય સર્કીટ હાઉસના તમામ 35 રૂમો બુક કરી દેવામાં આવેલ છે.
તેની સાથોસાથ સિવીલ હોસ્પિટલમાં પણ તબીબોની વિશેષ ટીમ સાથે ખાસ વોર્ડ તૈયાર રાખવામાં આવનાર છે. રાષ્ટ્રપતીના આગમન પુર્વે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ડે.કલેકટર અને મામલતદારોને હિરાસર એરપોર્ટ અને સર્કીટ હાઉસ ખાતે વિશેષ ફરજ સોપવામાં આવી છે.