New Delhi,તા.૧૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની અધ્યક્ષતામાં કઝાનમાં આયોજિત ૧૬મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા ૨૨-૨૩ ઓક્ટોબર દરમિયાન રશિયા જશે. વડાપ્રધાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર રશિયાની મુલાકાતે છે.
વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન મોદી તેમની રશિયાની મુલાકાત દરમિયાન બ્રિક્સ સભ્ય દેશોના તેમના સમકક્ષો અને કઝાનમાં આમંત્રિત નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી શકે છે. આ વર્ષની બ્રિકસ સમિટની થીમ “વૈશ્વિક વિકાસ અને સુરક્ષા માટે બહુપક્ષીયવાદને મજબૂત બનાવવી” છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે આ સંમેલન નેતાઓને વિશ્વના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પ્રદાન કરશે. મંત્રાલયે જણાવ્યું હતું કે, “સમિટ બ્રિક્સ દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલોની પ્રગતિનું મૂલ્યાંકન કરશે અને ભવિષ્યમાં સહકાર માટે સંભવિત ક્ષેત્રોને ઓળખવાની મૂલ્યવાન તક પણ પૂરી પાડશે.”