New Delhi તા.13
ઓપરેશન સિંદુરની સફળતા બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબના આદમપુર પહોંચ્યા છે અને તેઓએ એરબેઝ ખાતે જવાનોની મુલાકાત લીધી હતી. શ્રી મોદીના આગમનની માહિતી અત્યંત ગુપ્ત રાખવામાં આવી હતી. તેઓ આજે સવારે 11 વાગ્યે આદમપુર એરબેઝ પર પહોંચ્યા હતા અને તુર્તજ એરબેઝમાં ફરજ પરના જવાનોને મળ્યા હતા.
શ્રી મોદીના આગમનથી જવાનો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા અને વડાપ્રધાનને વધાવી લીધા હતા. પંજાબના આદમપુર સહિતના વિસ્તારોમાં જે રીતે પાકિસ્તાને ડ્રોન સહિતના હુમલા કર્યા છે તેને ભારતીય દળોએ મારી હટાવ્યા હતા અને આદમપુરમાં એરબેઝ પરથી પણ એરડિફેન્સ સીસ્ટમ દ્વારા નિર્ણાયક કામગીરી કરવામાં આવી હતી.
આ તમામ વચ્ચે પણ એરબેઝ પર જવાનો પુર્ણ રીતે આજે પણ સક્ષમ છે તે વચ્ચે વડાપ્રધાનની આ મુલાકાતે જવાનોને નવો જુસ્સો આપી દીધો છે. વડાપ્રધાનના આગમન બાદ તેઓ જવાનો સાથે ભોજન પણ લેશે તેવું માનવામાં આવે છે.
શા માટે દુશ્મનના પાયલોટ શાંતિથી સુઇ શકતા નથી : મોદીના આગમનનો સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 7 વાગ્યે આદમપુર પહોંચ્યા હતા અને અહીં એરબેઝ પર દોઢ કલાક જેટલો સમય જવાનો સાથે વિતાવ્યો હતો. ભારતની એસ-400 સહિતની એર ડિફેન્સ સિસ્ટમ અહીં તૈનાત છે અને તેણે પાકિસ્તાન સામેના યુધ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
વડાપ્રધાનના આગમન સાથે હવાઇ દળે એક તસ્વીર સોશ્યલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરી હતી જેમાં વડાપ્રધાનની સાથે ભારતીય હવાઇ દળના ફાઇટર જેટનું દ્રશ્ય છે અને તેમાં એવું લખાયું હતું કે શા માટે દુશ્મન દેશના પાયલોટ શાંતિથી ઉંઘી શકતા નથી. વડાપ્રધાનની આ મુલાકાત પાકિસ્તાનને સીધો સંદેશ તરીકે ગણવામાં આવે છે.