Gandhinagar,તા.21
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદના નિકોલ ખાતેથી તેઓ રૂ.133.42 કરોડના ખર્ચે બનેલા 1,449 આવાસો તથા 130 દુકાનોનું લોકાર્પણ કરશે. સમગ્ર ગુજરાત રાજ્યની વાત કરીએ તો, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત કુલ 7.64 લાખ આવાસોના લક્ષ્યાંક સામે કુલ 9.66 લાખ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે.
આ મંજૂર આવાસો પૈકી 9.07 લાખ જેટલા આવાસોનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ગુજરાત ને વર્ષ 2019માં વિવિધ કેટેગરીમાં કુલ 6 અને વર્ષ 2022માં વિવિધ કેટેગરીમાં કુલ 7 એવોર્ડ પ્રાપ્ત થયા છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત વર્ષ 2016-17થી વર્ષ 2024-25 સુધીમાં ભારત સરકાર દ્વારા 8,43,168 આવાસનો લક્ષ્યાંક મળ્યો છે, તે પૈકી કુલ 6,00,932 આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત વર્ષ 2025-26માં સ્પીલ ઓવર આવાસો 2,78,533ના લક્ષ્યાંક સામે 01 એપ્રિલ 2025થી 20 ઓગસ્ટ 2025 સુધીમાં 39,092 આવાસો પૂર્ણ કરવામાં આવ્યા છે. જ્યારે 2,39,441 આવાસો પ્રગતિ હેઠળ છે, જે આગામી માર્ચ-2026 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. નાણાકીય વર્ષ 2016-17થી 20 ઓગસ્ટ 2025 સુધીમાં આ યોજના હેઠળ રૂ.8936.55 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
નાણાકીય વર્ષ 2025-26થી પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત લાભાર્થીઓ પૈકી વર્ષ 2024-25ના લક્ષ્યાંક મુજબ તેમજ ભવિષ્યમાં મળનાર લક્ષ્યાંક મુજબના લાભાર્થીઓને આવાસ બાંધકામમાં વધુ મદદરૂપ થવાના ઉમદા ઉદ્દેશથી 100 ટકા રાજ્ય ફાળા અંતર્ગત આવાસના બાંધકામ માટે રૂફ-કાસ્ટ લેવલે રાજ્ય સરકાર દ્વારા રૂ.50,000ની વધારાની સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 34,759 લાભાર્થીઓને રૂ.173.80 કરોડની સહાયનો લાભ આપવામાં આવ્યો છે.

