Rajkot તા.11
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તહેવારોનો માહોલ છવાઇ ગયો છે. અને લોકો ફેસ્ટીવલ મુડમાં આવી ગયા છે. આથી લોકો ઠેર ઠેર રજાઓ ગાળવા માટે જવા લાગ્યા છે. આ ફેસ્ટીવલ મુડની અસર ટ્રાવેલ્સ જગતમાં દેખાવા લાગી છે.
અને અત્યારથી જ અમદાવાદ, સુરત અને મુંબઇ રૂટની ખાનગી બસો એડવાન્સ બુકીંગથી પેક થઇ ગઇ છે. જોકે તહેવારોના ભાવ લેવાનું હજુ ટ્રાવેલ્સ સંચાલકોએ શરૂ કર્યુ નથી અને આજની તારીખે રેગ્યુલર ભાડુ જ લેવામાં આવી રહયું છે.
રાજકોટના ટ્રાવેલ્સ સંચાલકનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ હતું કે હજુ પણ અમદાવાદ રૂટના રૂ.પપ0 અને મુંબઇ રૂટના રૂ.1ર00 યથાવત રાખવામાં આવ્યા છે. હજુ આજની તારીખે ખાનગી બસોના ભાડામાં વધારો કરાયો નથી અને રેગ્યુલર ભાડુ જ છે.
જો કે ટ્રાવેલ્સ સંચાલકો એવું પણ જણાવે છે કે તા.15 થી જન્માષ્ટમીના તહેવારોનો મુડ ચરમસીમાએ પહોંચી જશે. આથી આ દિવસોમાં ખાનગી બસોના ભાડા વધી જશે અને અમદાવાદ-સુરત-મુંબઇના રૂટમાં અંદાજે રૂ.200થી 500 વધી જશે. અત્રે ઉલ્લેખનીય છે.
કે ખાસ કરીને એસ.ટી.નિગમને છેલ્લા બે દિવસથી તહેવારોનો જોરદાર ટ્રાફીક મળવા લાગ્યો છે. અને ઓનલાઇન બુકીંગ સતત વધવા સાથે મોટાભાગના રૂટોની બસો ફુલ દોડવા લાગી છે. ત્યારે હવે ખાનગી બસ સંચાલકોને પણ તહેવારોની તેજી જોવા મળી રહી છે.