Surendranagar , તા.7
સુરેન્દ્રનગર શહેર અને રાજયમાં છેલ્લા 30 વર્ષ કરતા વધારે સમયથી ભાજપ શાસન ચલાવી રહ્યા છે. પરંતુ સુરેન્દ્રનગર શહેરમાં આવતા લોકોને નર્કનગરીના દર્શન થાય છે. સમગ્ર શહેર ખાડાનગરમાં પરિવર્તિત થઇ ગયેલ છે.
સુરેન્દ્રનગર શહેરમાં એક પણ એવી સુવિધા નથી જેને લઇને ઝાલાવાડની જનતા ગર્વ કરી શકે. શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારી સાવ કથળી ગયેલ છે, રોડ-રસ્તા, ગટરોનો સુરેન્દ્રનગર શહેરમાં ભયંકર પ્રશ્ન છે.
છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગર શહેરમાં ધ્રાંગધ્રા તેમજ દસાડા, પાટડી તરફથી આવતા તમામ ગામોને જોડતો પુલ દુધરેજ નર્મદા કેનાલ ઉપર આવેલ છે. તે બિસ્માર હાલતમાં હોવાથી બંધ છે, જેના કારણે દુધરેજ, ચમારજ, નગરા, અધેળી, પ્રાણગઢ, લટુડા, કટુડા, બાકરથળી, અણિન્દ્રા, કરણગઢ જેવા ગામોના વિદ્યાર્થીઓને તેમજ બીમાર દર્દીઓ તેમજ વૃધ્ધ ભાઇઓ બહેનો માટે બસ સેવા બંધ થઇ જવા પામેલ છે.
બિમાર દર્દીઓને સી.યુ.શાહ હોસ્પિટલ, ગાંધી હોસ્પિટલ સહિતની કોઇપણ હોસ્પિટલમાં સારવાર માટે એમ્બ્યુલન્સ સેવાઓ પણ બંધ થઇ જવા પામેલ છે. માત્ર પ0 મીટરના અંતરને પસાર કરવા અડધાથી એક કલાકનો સમય લાગે છે. જે ડાયવર્ઝન આપેલ છે તેમાં સમગ્ર રસ્તાઓમાં ભયંકર ખાડાઓને કારણે વાહનો ડીસ્કો કરતા જોઇને દયા આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
તેમ છતાં ઝાલાવાડની સહનશીલ જનતાને સલામ છે. આવી પરિસ્થિતિમાં ભાજપનો એક પણ આગેવાન બોલવા તૈયાર નથી. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી તા. 9ના રોજ બપોરે 3 કલાકે દુધરેજ પાસે આવેલ નર્મદા પુલ પર ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખેલ છે. આ પુલ ખાતે ધરણા પ્રદર્શન બાદ કલેકટરને આવેદનપત્ર આપવાનું પણ આયોજન કરવામાં આવેલ છે. તેમાં વિશાળ સંખ્યામાં તમામ નાગરિકોને આ મહાકાય સમસ્યાને વાચા આપવા ઉપસ્થિત રહેવા નમ્ર આહવાન છે તેમ કોંગી અગ્રણી નૌશાદ સોલંકીએ જણાવેલ છે.

