Ahmedabad,તા.5
ગુજરાત હાઈકોર્ટમાં એક સીઆરપીએફની મહિલા અરજદારે એક અરજી દાખલ કરી હતી. જેમાં તેણે CRPF માં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ મિનિસ્ટ્રીયલ પોસ્ટના પ્રમોશનના વર્ષ 2011ના નિયમોને ચેલેન્જ કર્યા છે.
તેણે જણાવ્યું હતું કે, તે પોતે HIV AIDS પીડિત હોવાથી તેને પ્રમોશન અપાઈ રહ્યું નથી. કારણમાં એવું જણાવાઈ રહ્યું છે કે, તે આ નિયમો અંતર્ગતની કેટેગરીમાં આવતી નથી અને મેડિકલ બોર્ડના અભિપ્રાય મુજબ તેઓ ઉચ્ચ કક્ષાની બીમારીથી પીડિત છે.
હાઇકોર્ટે આજે અરજદારની અરજી ગ્રાહ્ય રાખીને તેના અને અન્ય આવા અનેક લોકોના હિતમાં ચુકાદો આપતા નોંધ્યું હતું કે, અરજદાર સાથે ભેદભાવ થયો છે અને તેને પ્રમોશનથી વંચિત રાખવામાં આવી છે.તેના જુનિયર્સને પ્રમોશન અપાયું પણ તેને અપાયું નથી.
જેથી હાઇકોર્ટે સંલગ્ન ઓથોરિટીને અરજદારને પ્રમોશન આપવા નિર્દેશ આપે છે. ઉપરાંત જ્યારથી તેણે પ્રમોશન મળવું જોઈતું હતું, ત્યારથી બધા જ લાભ તેને આપવા પડશે. તેને એરિયર્સ ચૂકવવા પડશે.
આ તમામ પ્રક્રિયા 2 મહિનામાં પૂર્ણ કરવાની રહેશે. જો તેમ ન થાય તો અરજદાર આ કોર્ટની સહાયતા લઈ શકશે. આવા નિયમો બંધારણીય હક્કોનો ભંગ કરે છે. આવો ભેદભાવ દૂર થવો જોઈએ.
ઉપરોક્ત અરજી સંદર્ભે હાઇકોર્ટે ઇન્ચાર્જ એડિશનલ સોલિસિટર જનરલને કોર્ટમાં ઉપસ્થિત રહી જવાબ આપવા માટે કહ્યું હતું. જે સંદર્ભે નાગપુરથી ડેપ્યુટી સોલિસિટર જનરલ ઓફ ઈન્ડિયા નંદેશ દેશપાંડે ઓનલાઇન ઉપસ્થિત રહ્યા હતા.
અરજદારે આ અરજીમાં પ્રમોશનના આ નિયમોને બંધારણ વિરૂધ્ધ જણાવીને ચેલેન્જ કર્યા હતા. જેની ઉપર હાઇકોર્ટમાં વિગતવાર સુનાવણી યોજાઇ હતી.
‘હેલ્થના મુદ્દા ઉપર પ્રમોશન રોકી શકાય નહીં’
આ અરજી ઉપરની સુનાવણીમાં અગાઉ હાઇકોર્ટે કહ્યું હતું કે, હેલ્થના મુદ્દા ઉપર પ્રમોશન રોકી શકાય નહીં. જો સરકાર એવું સાબિત કરે કે અરજદારના હેલ્થના કારણે તેને સોંપાયેલ કામ તે કરી શકશે નહીં, તો જ તેઓ દલીલ કરી શકે છે. પરંતુ અરજદારનું પ્રમોશન જે પોસ્ટ પર થવું જોઈએ તે મિનિસ્ટ્રીયલ જોબ છે.
પ્રમોશનની આ પ્રમાણેની જોગવાઈઓ સ્પષ્ટ રીતે ભેદભાવ દર્શાવે છે. HIV કે હૃદય સંબંધિત બીમારીઓ એ બધી બીમારી અંતર્ગત જ આવે છે, આ ફક્ત એક માંદગી છે. જે નિયમો અગાઉ બન્યા હોય તેને અત્યારે ચાલુ રાખવા જરૂરી નથી.
અગાઉ કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે હૃદયની બીમાર કે વધુ પડતા ડાયાબિટીસથી પીડિત વ્યક્તિને કઈ કેટેગરીમાં મુકાશે? આવી જોગવાઈઓ અને કેટેગરી પાછળ શું લોજીક છે? અરજદારને જે પ્રમોશન લેવાનું છે, તેમાં ફિલ્ડ વર્કની ડ્યુટી નથી.
અમુક લોકોને બાકાત રાખવા જ આવો માપદંડ નક્કી કરાયો હોય તેમ લાગી રહ્યું છે! આ બંધારણીય મુદ્દો છે. અરજદાર માત્ર HIV ગ્રસિત હોવાથી તેમને પ્રમોશન અપાયું નથી! આ ભેદભાવનો સીધો જ મુદ્દો છે.
અરજદારે ચેલેન્જ કરેલા નિયમો તે HIV એઇડ્સ એક્ટ 2017ના વિરુદ્ધના છે. આ નિયમ બંધારણના આર્ટિકલ 14, 16 અને 21નો ભંગ કરે છે. અરજદારને સતત પ્રમોશનથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.