Ahmedabad, તા. 4
ગુજરાતમાં વાહનોની સંખ્યાનો આંકડો કરોડોમાં છે. રોડ પર દોડતાં વાહનના માલિકોએ સરકારને વાહન ટેક્સ ચુકવવાનો હોય છે. નોન ટ્રાન્સપોર્ટ વાહનની ખરીદી વખતે જ સરકારને આજીવન ટેક્સ ચુકવાતો હોય છે.
બસ, ટ્રક જેવા જે ટ્રાન્સપોર્ટ વાહન છે તેના માલિકોએ દર વર્ષે ત્રિમાસિક, છ માસિક એમ જુદા-જુદા સમયે વાહન ટેક્સ ચુકવવો પડતો હોય છે. આ ટેક્સ રેગ્યુલર ભરવાનો હોય છે. જો કે ઘણા વાહન માલિકો આ ટેક્સ ભરતા નથી. રાજયમાં 1.03 લાખ વાહનોનો 716 કરોડનો ટેકસ બાકી છે.
વાહન વ્યવહાર વિભાગના નિવૃત્ત સંયુક્ત નિયામક જે.એન.બારેવડિયાએ જણાવ્યું કે, મામલતદાર જમીન મહેસૂલના કાયદા હેઠળ વાહન માલિકને નોટિસ આપે છે. જેમાં જણાવે છે કે તમારા વાહનનો ટેક્સ બાકી છે તે ભરી દો નહીંતર તમારી મિલકત જપ્ત કરાશે. આમ છતાં જો વાહન માલિક ટેક્સ ન ભરે તો તેને નોટિસ આપીને તેનું વાહન જપ્ત કરવામાં આવે છે. વાહન જપ્ત કરાયા બાદ તેની હરાજી કરાય છે.
તેમણે આગળ કહ્યું કે, જો તે વ્યક્તિએ વાહન વેચી દીધેલું હોય, ભંગારમાં આપી દીધું હોય અથવા તો વાહન ક્યાં છે તેની ખબર ન હોય તો વાહન માલિકની મિલકતો ટાંચમાં લેવાય છે.
તો તેની સ્થાવર તેમજ જંગમ મિલકતમાં રેવન્યુ રિકવરી સર્ટિફિકેટ બોજો દાખલ કરાવવામાં આવે છે. 7-12માં આ બોજો દાખલ થયા પછી જો કોઇપણ માલિકને તે મિલકત વેચાણ કરવી હોય ત્યારે આ બોજો ન ભરપાઇ કરે ત્યાં સુધી તે મિલકત વેચી શકતાં નથી.
19 હજાર મિલકત પર બોજો ગુજરાતની છઝઘ કચેરીએ રાજ્યના 19 હજાર મિલકતો પર રેવન્યુ રિકવરી સર્ટિફિકેટ બોજો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. જો કે આ કેટલા સમયગાળામાં દાખલ કરાયો છે અને તેમાં ટેક્સની કેટલી રકમ બાકી છે તે આંકડો વાહન વ્યવહાર કમિશનર કચેરી પાસે ઉપલબ્ધ નથી.
આ પ્રક્રિયા બાદ ટેક્સની જે બાકી રકમ છે તેમાંથી અંદાજે 10 કરોડ રૂપિયા વાહન માલિકોએ ભરી દીધા છે તેવું વાહન વ્યવહાર કમિશનર કચેરીના સૂત્રોએ જણાવ્યું છે.