Jamnagar, તા. 24
ખંભાળિયા – જામનગર હાઈવે માર્ગ પર આવેલા કજુરડા ગામના પાટિયા પાસેનું ડીવાઈડર હાઈવે ઓથોરિટી દ્વારા બંધ કરવામાં આવ્યું છે. જેના કારણે આજુબાજુના અનેક ગામો પ્રભાવિત થયા છે. આ પગલાના લીધે આશરે અઢાર હજાર કેટલા સ્થાનિક રહીશોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.
નજીકના દેવરિયા ગામના પાટિયા સુધી આશરે દસેક કિ.મી. જેટલા અંતરનો ફેરો વાહનચાલકોને કરવો પડે છે. જેનાથી સમય અને ઈંધણનો વ્યય થાય છે. જ્યારે ઇમરજન્સી સમયમાં થતા વિલંબના કારણે આ લાંબો ફેરો જીવલેણ સાબિત થવાની સંભાવના રહે છે.
દરરોજ સવારના સમયે સ્કૂલે જતા વાહનો, ડેરીએ દૂધ દેવા જતા પશુપાલકો, ખેડૂતો, ખરીદ વેચાણ માટે શહેરમાં જતા અનેક ગ્રામજનોને લાંબા ડિવાઇડરના કારણે ફોગટ ફેરો કરવો પડે છે. જો નિયમ વિરુદ્ધ વાહન ચાલકો શોર્ટકટ અપનાવે તો રોંગ સાઇડમાં પણ લાંબુ અંતર કાપવું પડે છે. જેનાથી અકસ્માતનું પણ જોખમ રહેલું છે. આ વચ્ચે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ વાહન ચાલકો દંડાય છે.
આ રોજિંદી સમસ્યાઓના ઉકેલ માટે સ્થાનિકો દ્વારા અહીંના જિલ્લા કલેકટરને સંબોધીને સવિસ્તૃત લેખિત આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. આ રજૂઆત કરાતા વહેલી તકે ડીવાઈડર ચાલુ કરવાની કે વૈકલ્પિક વ્યવસ્થાની ખાતરી પણ અધિકારી દ્વારા આપવામાં આવી હતી. આ રજૂઆતમાં ડો. કે.જે. ગઢવી, ડો. અબ્બાસ સંઘાર, પાલાભાઈ રબારી વિગેરે સાથે કજુરડા અને આસપાસના ગામના અન્ય લોકો પણ જોડાયા હતા.

