Dhoraji, તા.20
ધોરાજી તાલુકાના પીપળીયાના સીમની જમીન જમનાવડ ગ્રામ પંચાયતને રમત ગમત માટે ફાળવવા સામે પીપળીયા ગ્રામ પંચાયતના સરપંચ-ઉપસરપંચ અને સદસ્યોએ વિરોધ નોંધાવી આ મામલે ધોરાજી તાલુકા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.આ અંગે પીપળીયા ગ્રામ પંચાયતના સરપંચ કોરડીયા રાજેશકુમાર ઉપસરપંચ વાછાણીભાઇ સહિતનાએ જણાવેલ છે.
ધોરાજી તાલુકાના ગામ પીપળીયાની સીમ જમીન ખાતા નં. 73થી ગૌચર તથા ગામતળ તથા જંગલ તથા સ્મશાન એમ કુલ જમીન હે. 7પ-23-12 આવેલ છે. તે સિવાય ખાતા નં. 475થી સર્વે નં. 8 પૈકી પ હે. 4-04-69 તથા સર્વે નં. પ9 પૈકી 1 હે. 4-04-69 એમ કુલ જમીન હે. 8-09-38 શ્રી સરકાર આવેલ છે.
ઉપરોકત સીમ જમીન ખાતા નં. 475 સર્વે નં.59 પૈકી 1 વાળી સીમ જમીન જમનાવડ ગ્રામ પંચાયત તરફથી રમત ગમત માટે માંગણી કરેલ છે. જેની સામે ગ્રામજનોનો સખ્ત વાંધો છે.
જમનાવડ ગામના ખાતા નં. 316 હે. 5-38-87 જે પોત ખરાબા તથા ગૌચરની આ જમીન આવેલ છે. તથા જમનાવડ ગ્રામપંચાયત પાસે ખાતા નં. 4પ0થી હે. 120-03-39 જમીન આવેલ છે. જમનાવડ ગ્રામપંચાયત પાસે જમીન હોવા છતાં પીપળીયા ગામમાં માંગણી કરેલ છે. જેની સામે વિરોધ છે.
પીપળીયા ગામમાં હજુ ઘણા લોકો ઘરવિહોણા આવેલ છે. 20 વર્ષ પહેલા સરકાર તરફથી પ્લોટો ફાળવેલ ત્યારબાદ આજદિન સુધીમાં કોઇ પ્લોટ ફાળવવામાં આવેલ નથી. જમનાવડ ગામમાં બાગ બગીચા પણ જમીન રોકાયેલ છે. તેમજ જમનાવડ ગ્રામ પંચાયત પાસે હાલમાં સરકારની ઉપરોકત જમીન આવેલ છે. પીપળીયા ગામમાં કોઇ બાગ બગીચા આવેલ નથી તેમજ રમત ગમત માટેના કોઇ મેદાનો આવેલ નથી.
તેમજ ઘરવિહોણા લોકો માટે કોઇ પ્લોટની સુવિધા નથી કે ફાળવવામાં આવેલ નથી. તેમજ હાલમાં સુપ્રિમ કોર્ટ તેમજ હાઇકોર્ટના નિર્દીષ્ટ મુજબ ગૌચરની જમીન સરકારને ખુલ્લી કરાવવાની હોય અને તે મુજબ હાલમાં ઝુંબેશ ચાલુ હોય ગામમાં ગૌચરની જમીન પણ ઓછી હોય તેમજ ગૌચરની જમીનમાં 6 થી 7 તળાવ પણ આવેલ છે.
જેથી પીપળીયા ગામની વસ્તી પ્રમાણે હાલની સરકારી પડતર જમીન ઘણી ઓછી છે. આ સંજોગોમાં જો જમનાવડ પંચાયતને આ જમીન ફાળવાશે તો પીપળીયા ગ્રામજનોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ ચિમકી આપી છે.