ગાંધીનગર,તા.૯
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબી સમિતિએ રાજ્યભરની તમામ આંગણવાડીઓની હાલની સ્થિતિ અંગે ગંભીરતા દાખવતાં રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગને કડક સૂચના આપી છે કે તેઓ બે મહિનાની અંદર રાજ્યવ્યાપી સર્વે હાથ ધરી તેનો વિગતવાર અહેવાલ રજૂ કરે. રાજ્યમાં હજારો આંગણવાડીઓ વર્ષોથી કાર્યરત છે, પરંતુ તેની માળખાકીય પરિસ્થિતિ ઘણી જગ્યાએ અત્યંત જર્જરિત છે. ઘણી આંગણવાડીઓ આજે પણ ભાડાના મકાનમાં ચાલી રહી છે. જે અંગે વિધાનસભામાં દર સત્રે ચર્ચા પણ થતી રહી છે, પરંતુ કામગીરી માત્ર કાગળ પર જ રહી હોવાના આરોપો થતા રહ્યા છે. હવે જાહેર હિસાબી સમિતિએ આ મુદ્દાને એજન્ડા પર લઈને તાત્કાલિક પગલાં લેવાની માગણી કરી છે.
સમિતિએ સ્પષ્ટ કહ્યું છે કે, તમામ આંગણવાડીઓનું જિલ્લા, મહાનગર અને તાલુકા કક્ષાએથી સર્વે થાય અને તેમનો રિપેરિંગ સ્ટેટસ, જરૂરી બેઝિક સુવિધાઓ જેવી કે પીવાના પાણી, ચોખ્ખા શૌચાલય, પંખા, વીજળી, રસોઈના સાધનો વગેરેની ઉપલબ્ધિ અને સ્થિતિ અંગેની જાણકારી બે મહિનામાં ઉપલબ્ધ કરાવવામાં આવે.
આ માટે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગે રાજ્ય કક્ષાએ ૧૨ સભ્યોની, જિલ્લા કક્ષાએ ૮ સભ્યોની, મહાનગરપાલિકા માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હેઠળ ૮ સભ્યોની અને તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને સમિતિઓની રચના કરી છે. દરેક સમિતિ પોતાના વિસ્તારમાં વસવાટ કરતી દરેક આંગણવાડીની મુલાકાત લઇ તેમના માળખાકીય અભાવ અને તાત્કાલિક જરૂરી સુધારાની વિગતો એકત્ર કરશે.
રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગે પણ આ સૂચનાઓને ગંભીરતાથી લેતા અમલ શરૂ કર્યો છે અને જિલ્લા અને તાલુકા કક્ષાએના અધિકારીઓને સર્વે અંગે માર્ગદર્શન આપી દીધું છે. તંત્રએ જણાવ્યું છે કે, સમિતિના સર્વેના આધારે તેઓ આગામી બજેટમાં રિપેરિંગ માટે નાણાં ફાળવવાની શક્યતા પણ શોધશે.
જાહેર હિસાબી સમિતિએ પણ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, આંગણવાડીઓમાં માળખાકીય સુવિધાઓ જ હોવી પૂરતી નથી, તેમનું નિયમિત જતન અને જાળવણી પણ સમાન મહત્વ ધરાવે છે. ત્યારે આવનારા દિવસોમાં આ સમગ્ર અભિયાનથી રાજ્યની આંગણવાડીઓ વધુ સુવિધાજનક અને સલામત બનશે તેવી સંભાવનાઓ ઊભી થઈ છે.