Dhoraji. તા.18
ધોરાજીના બહારપૂરા વિસ્તારમાં જૂની અદાવતમાં બે પરિવાર વચ્ચે જાહેરમાં મારામારીથતા ચાર મહિલા સહિત આઠ ઘવાયા હતાં. ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતાં અને પોલીસે 12 શખ્સો સામે ગુનો નોંઘી તપાસ આદરી હતી.
બનાવ અંગે ધોરાજીના બહારપૂર વિસ્તારમાં રહેતાં દિલીપભાઈ ખીમજીભાઈ પરમાર (ઉ.વ.30) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જયંતી ઉર્ફે જેના વિંઝુડા, રાકેશ વિંઝુડા, પ્રફુલ વિંઝુડા, રાજેશ ઉર્ફે ધારીયો વિંઝુડા, જયંતી ઉર્ફે જેના વિંઝુડાના પત્ની, જયંતી ઉર્ફે જેનાનો દિકરો, જયંતી ઉર્ફે જેના વિંઝુડાની દિકરી તનુ અને વિજયાબેન રાકેશ વિંઝુડા (રહે. તમામ ધોરજી) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ છૂટક મજૂરીકામ કરું છું.
ગઇકાલ રાત્રિના તે તેમના પરીવાર સાથે ઘરે હાજર હતા ત્યારે માસી ગીતાબેન રાઠોડનો મમ્મીને ફોન આવેલ કે, વિશાલને મામાદેવના મંદિર પાસે જયંતી ઉર્ફે જેનો વિંઝુડા અને તેના પરિવારના લોકો માર મારે છે તમે ત્યાં તાત્કાલિક પહોંચો નહીંતર ઓલા વિશાલને મારી નાખશે.
જેથી તે તેના માતા પિતા સાથે મામાદેવના મંદિર તરફ ગયેલ આરોપીઓ ગાળો દેવા લાગેલ જેથી મામાદેવના મંદિર પાસેથી આગળ મેઘવાળ સમાજવાડી પાસે પહોંચી વિશાલ બાબતે જયંતીને પૂછતા આ તે એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને કહેવા લાગેલ કે, તારા ભાઈ વિશાલે અમારી જિંદગી બરબાદ કરી નાખેલ છે, તેમ કહી તેના હાથમાં રહેલ લાકડીનો એક ઘા તેની માતા લક્ષ્મીબેનને માથાના પાછળના ભાગે મારી દેતા માથામાંથી લોહી નીકળવા લાગેલ અને તે ચક્કર ખાઈને પડી ગયેલ હતાં.
જેથી તે અને તેમના પિતા તેની માતાને બચાવવા જતાં તેમને પણ ઢીકા પાટુનો માર મારવા લાગેલ અને રાકેશ વિંઝુડાએ તેના હાથમાં રહેલ પથ્થરનો છૂટો ઘા મારતા પપ્પાને કપાળના ભાગે પથ્થર લાગી જતા લોહી નીકળવા લાગેલ અને તે પણ નીચે પડી ગયેલ તે દરમ્યાન રાજેશ ઉર્ફે ધારીયો ઘસી આવેલ અને પેટના ભાગે ઢીકો મારતા તે નીચે પડી જતા રાજેશે પગની પિંડી પર બચકું ભરી ગયેલ અને ઉભો થવા જતા પ્રફુલે છૂટો પથ્થરનો ઘા મારતા ગાલ પર લોહી નીકળવા લાગ્યું હતું.
ઉપરાંત આરોપીએ જયંતી વિંઝુડાએ કહેલ કે, વિશાલ ને સમજાવી દેજે કે મારી શેરીમાં પગ ના મૂકે નહીંતર હવે આખા પરિવારને જીવતા નહીં રહેવા દઉં તેમ કહી નાસી છૂટ્યા હતાં. જે બાદ ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડયા હતાં.
વધુમાં બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, મારા ભાઈ વિશાલ તથા મમ્મી અને મારી બહેન મીરા ઉપર જયંતીભાઈની દીકરી મિતલએ પોલીસ કેસ કરેલ જે કેસમાં ભાઈ, મમ્મી અને બહેન નિર્દોષ છુટતા તેનો ખાર રાખી હુમલો કર્યો હતો.
બીજા બનાવમાં ધોરાજીમાં બહારપુરા વિસ્તારમાં જ રહેતાં વિજયાબેન રાકેશભાઈ વિંઝુડા (ઉ.વ.37) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વિશાલ ખીમજી પરમાર, ખીમજી પરમાર, લક્ષ્મીબેન ખીમજી પરમાર અને દિલીપ ખીમજી પરમારનું નામ આપી જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રિના સવા દસેક વાગ્યાના વખતે તેઓ તેમના કાકીજી સાસુ ધર્મિષ્ઠાબેન, નણંદ તનિષાબેન સાથે વોકિંગ કરવા માટે ઘરેથી નીકળેલ અને રસ્તામાં મામાદેવના ખીજડા પાસે પહોંચતા ત્યાં વિશાલ પરમાર ઉભો હતો અને તેઓને જોઈને ગાળો બોલવા લાગેલ અને તેના પેન્ટના ખિસ્સામાંથી પૈસા કાઢી બોલવા લાગેલ કે, અમેય રૂપિયા વાળા છીએ, તમે અમારી ઉપર કેસ કર્યો તો પોલીસે કે કોર્ટે અમારું શું બગાડી લીધું ?
જેથી વિશાલને કહેલ કે, તારા પૈસા તારી પાસે રાખ અમે તને બોલાવીએ છીએ? શું કામ અમને હેરાન કરે છે? તેમ કહી ચાલવા લાગેલ તો વિશાલ ત્રણેયને ગાળો આપી ઉશ્કેરાઈ જઈ ઝપાઝપી કરી ત્રણેયને ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતો. આ મારામારીમાં નણંદ તનિષાબેનનું ટીશર્ટ પણ ફાટી ગયેલું જેથી નણંદે તેના પપ્પા જયંતીભાઈને ફોન કરતા થોડીવારમાં કાકાજી જયંતીભાઈ, દિયર રાજેશભાઈ ત્યાં ખીજડાવાળા ચોકમાં આવી ગયેલ જેથી વિશાલ પરમાર તેમને જોઈને ભાગી ગયેલ હતો.દરમિયાન તેણીના પતિ રાકેશભાઈ તથા દિયર કૌશિકભાઈ વિંઝુડા પણ આવી ગયેલ અને બધા ખીજડા ચોકમાં ઉભા હતા.
તે સમયે વિશાલ પરમારના પિતા ખીમજી તથા તેના મમ્મી લક્ષ્મીબેન તથા તેનો ભાઈ દિલીપ દેકારો કરી ગાળો બોલતા આવેલ અને તેઓ કાંઈ સમજીએ તે પહેલા વિશાલના પપ્પાએ તેના હાથમાં રહેલા લાકડાનો પાટિયું દિયર કૌશિકને માથાના પાછળના ભાગે મારી દેતા કૌશિકના માથાના ભાગે મુંઢ ઇંજા થયેલ અને તે ચક્કર ખાઈને જમીન પર પડી ગયેલ હતો.
જે બાદ સામસામી ઝપાઝપી થયેલ આ મારા મારીમાં તેમને તથા પતિ રાકેશભાઈ, કાકીજી ધર્મિષ્ઠાબેન તથા નણંદ તનિષાબેન અને દિયર કૌશિકભાઈને મુંઢ ઇજાઓ થયેલ હતી. જે બાદ તેઓને સારવારમાં ખસેડેલ હતાં. બનાવ અંગેની સામસામી ફરીયાદ પરથી ધોરાજી પોલીસે ચાર મહિલા સહિત 12 શખ્સો સામે ગુનો નોંધી તપાસ આદરી હતી.