Rajkot. તા.06
ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી અમદાવાદના શખ્સને મોબાઈલ આઈડી મારફત અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની ટી-20 મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા પીસીબીની ટીમે ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી મોબાઇલ ફોન કબજે કરી જરૂરી કાર્યવાહી કરી હતી.
દરોડાની વિગતો મુજબ પીસીબી પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરી હેઠળ પીએસઆઇ પી.બી.ત્રાજીયા તથા તેમની ટીમના હેડ કોન્સ્ટેબલ કરણભાઈ મારૂ, રાહુલગીરી ગોસ્વામી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન એવી બાતમી મળી હતી કે, ગ્રીનલેન્ડ ચોકડી પાસે શૌચાલય નજીક એક શખસ મોબાઈલ આઈડી મારફત જુગાર રમી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસની ટીમે અહીં પહોંચી મોબાઇલમાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરી રહેલા શખસને ઝડપી લીધો હતો
પોલીસે તેની પૂછતાછ કરતા તેનું નામ જૈનિસ મહેન્દ્રભાઈ ચૌધરી (ઉ.વ 42 રહે. શિવમ ફ્લેટ સોલા, 201 ચાણક્યપુરી રોડ, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ શખસનો મોબાઇલ ફોન ચકાસતા તેમાં આર777 ડોટ અસ નામની આઈડીમાં યુએઇમાં ચાલી રહેલા અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેના ટી-20 મેચ પર ક્રિકેટ સટ્ટો રમતો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે આ શખસ પાસેથી મોબાઇલ ફોન કબજે કરી તેની સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, પકડાયેલ શખ્સ અમદાવાદથી તેના મિત્રો સાથે સાસણ ફરવા ગયો હતો. પરંતુ તેને કોઈ કામ આવી જતા તે એકલો અમદાવાદ જવા માટે નીકળ્યો હતો. દરમિયાન રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે ઉતર્યા બાદ બસની રાહ જોતો હતો. આ સમયે તે મોબાઈલ આઈડીમાં ક્રિકેટ સટ્ટો રમતા પોલીસની ઝપટે ચડી ગયો હતો.