Rajkot તા.9
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજરોજ ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે તેઓની મુલાકાતની શરૂઆત આજે સાંજે રાજકોટથી થનાર છે તેઓ આજે રાત્રી રોકાણ શહેરના સર્કીટ હાઉસમાં કરનાર છે. ત્યારે સમગ્ર શહેરમાં સજજડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે અને સર્કીટ હાઉસનો સ્ટાફ પણ સજજ બની ગયો છે.
દરમ્યાન ફૂડ એન્ડ ડ્રગ વિભાગના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ રાષ્ટ્રપતિ આજરોજ રાજકોટમાં રાત્રી રોકાણ કરવાના છે અને તેઓ રાત્રી ભોજન પણ સર્કીટ હાઉસમાં જ લેશે. તેઓનું ફૂડ રાષ્ટ્રપતિના ખાસ અંગત રસોયાઓ તૈયાર કરશે.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ શુધ્ધ શાકાહારી છે આથી તેઓ માટે જે કોઈ વાનગી બનશે તે સંપૂર્ણ શાકાહારી હશે. આ વાનગીના સેમ્પલો રાજકોટ જીલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમો સૌ પ્રથમ લેશે અને ચકાસણી કરશે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રાષ્ટ્રપતિના ખોરાકની ચકાસણી માટે ત્રણ ટીમોને સર્કીટ હાઉસ ખાતે તૈનાત કરી છે.