Washingtonતા.13
અમેરિકાના અલાસ્કામાં 15 ઓગસ્ટ, 2025ના રોજ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે રશિયા-યુક્રેન શાંતિ વાર્તા થવાની છે. આ મુલાકાત પહેલાં જ બંને દેશો વચ્ચે રાજકીય તણાવ વધ્યા છે.
ટ્રમ્પે રશિયાની અર્થવ્યવસ્થા જોખમી ગણાવી છે. તેમજ પુતિને આ બેઠક માટે ફોન કર્યો હોવાનો દાવો પણ કર્યો છે. જેના જવાબમાં રશિયાએ પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન શરૂ કર્યું છે. જેમાં વિશ્વની સૌથી વિવાદાસ્પદ અને જોખમી મિસાઈલો પૈકી એક 9M730 બુરેવેસ્ટનિકનું સંભવિત પરીક્ષણ શરૂ કરવાની તૈયારી કરી છે.
9M730 બુરેવેસ્ટનિક રશિયાનું અજેય હથિયાર છે. તે ન્યૂક્લિયર એનર્જીથી ઓપરેટ થતી ક્રૂઝ મિસાઈલ છે. તે પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે. તે વિશ્વના અન્ય કોઈપણ હિસ્સામાં હુમલો કરી શકે છે.
જેમાં રૂટ ચેન્જ કરવાની ક્ષમતા છે. જેથી તેને ઈન્ટરસેપ્ટ કરવી મુશ્કેલ છે. અમેરિકાના NASIC રિપોર્ટ અનુસાર, જો આ મિસાઈલ સક્રિય સેવામાં ઉપસ્થિત થશે તો રશિયાની સૈન્ય શક્તિમાં અનેકગણો વધારો થશે. જેને પશ્ચિમી દેશો પણ રોકી શકશે નહીં.
રશિયાએ 7થી 12 ઓગસ્ટ સુધી 40,000 વર્ગ કિમી ક્ષેત્રમાં NOTAM (નોટિસ ટુ એરમેન) જાહેર કર્યું હતું. જે સામાન્ય રીતે મોટી મિસાઈલના પરીક્ષણ પહેલા આપવામાં આવે છે. રશિયાએ ચાર રશિયન જહાજ પેનકોવો ટેસ્ટિંગ રેન્જથી દૂર પૂર્વીય બેરેન્ટ્સ સમુદ્રમાં દેખરેખ રાખતી ચોકીઓ પર તૈનાત કર્યા છે.
બે રોસોટોમ વિમાન રોગચેવો એરપોર્ટ પર તૈનાત કર્યા છે. પુરવઠા માટે માલવાહક જહાજોની અવરજવર વધી છે. નોર્વેના ધ બેરેન્ટ્સ ઓબ્ઝર્વર અનુસાર, પેનકોવો રેન્જમાં છેલ્લા કેટલાક સમયથી તૈયારીઓ ચાલી રહી છે.
9M730 બુરેવેસ્ટનિકનું સફળ પરીક્ષણ થાય તો રશિયા વિશ્વનો પ્રથમ દેશ હશે, જેની પાસે ન્યૂક્લિયર એનર્જીથી ઓપરેટ થતી ક્રૂઝ મિસાઈલ હશે. પશ્ચિમી દેશોની એર ડિફેન્સ રણનીતિઓને પડકારશે.
પુતિન-ટ્રમ્પ સમિટ પહેલાં આ પગલું અમેરિકાની સાયકોલોજી બદલી શકે છે. નિષ્ણાતો માને છે કે, આ માત્ર ટેક્નોલોજીનું પ્રદર્શન નહીં, પણ રાજકીય સંકેત પણ છે. રશિયા પોતાની સૈન્ય ક્ષમતા સાથે સમાધાન કરશે નહીં.