Gandhinagar,તા.18
સરકારી-ખાનગી સેવાઓથી માંડીને વિવિધ સ્તરે કયુઆર કોડનુ ચલણ ઘણુ વધી ગયુ છે ત્યારે રાજય સરકારે પણ તેનો વ્યાપ વધારવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.
છેતરપીંડી તથા ઠગાઈ રોકવા ઉપરાંત લોકોની સરળતા અને રેકર્ડની યોગ્ય જાળવણી માટે રાજય સરકારના તમામ પ્રમાણપત્રોમાં કયુઆર કોડ દાખલ કરવામાં આવશે. આ સિવાય રાજયના તમામ સરકારી વિભાગોની ફાઈલ સિસ્ટમ માટે પણ યુનિક-અલગ કયુઆર કોડ આધારિત દાખલ કરવામાં આવશે.
રાજય સરકાર દ્વારા તમામ સરકારી વિભાગોને પોતપોતાના વિભાગ હેઠળ અપાતી જાહેર સેવા તથા રેકર્ડને કયુઆર કોડ હેઠળ સમાવવા વિશે ઓળખ કરીને માહિતી આપવાની સૂચના આપી છે.
આધારભૂત સાધનોએ જણાવ્યું છે કે હાલ જન્મ-મરણ, લગ્ન, જ્ઞાતિ, વાહન રજીસ્ટ્રેશન જેવા 40 ટકા સરકારી પ્રમાણપત્રોમાં કયુઆર કોડ પદ્ધતિ દાખલ છે જ છતાં મોટાભાગના વિભાગો તમામ સ્તરે આ પદ્ધતિનો અમલ કરતા નથી.
આ હકીકતને ધ્યાને રાખીને રાજય સરકારે હવે તમામ જાહેર સેવા તથા આંતરિક રેકર્ડ જાળવણીમાં કયુઆર કોડ સિસ્ટમનો અમલ કરવાની સૂચના આપી છે.