Navsari તા.૧૯
નવસારીના વાંસદા તાલુકાના ચાપલધારા ગામ વચલુ ફળિયું ખાતે એકમકાનમાં હાઈબ્રિડ ગાંજાનો જથ્થો અને ડિસ્પોજલ વેપ્સ/ઈ સિગારેટ જેને જોમ્બી ઈ-સિગારેટ તરીકે પણ ઓળખવામાં આવે છે તે છુપાવી રાખવામાં આવ્યો હોવાની માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલને મળી હતી.જેને આધારે પોલીસે અહીં દરોડો પાડીને તન્મયકુમાર સુમનભાઈ પટેલ તથા મિલનકુમાર દિપકભાઈ ધનગરની ધરપકડ કરી હતી. બન્ને નવસારીના ચાપલધારા ગામના રહેવાસી છે.
તેમની પાસેથી પોલીસે વનસ્પતિજન્ય માજક પદાર્થ હાઈબ્રિડ ગાંજાનો રૂ.૮,૦૦,૦૦૦ની કિમતનો ૮૦ ગ્રામનો જથ્થો, ઈ-સિગારેટ (જોમ્બી ઈ-સિગારેટ)ના રૂ.૨૦,૦૦,૦૦૦ ની કિંમતના ૨૦ નંગ તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂ. ૨૮,૧૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસમાં હાઈબ્રિડ ગાંજાનો જત્થો વાપી ખાતેથી આતીફ નામના શખ્સે આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેને આધારે પોલીસે આતીફની શોધ હાથ ધરી છે.