Gandhinagar,તા.24
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આગામી 26થી 28 જુલાઈ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આણંદમાં નવા શહેર-જિલ્લા પ્રમુખોની તાલીમ કાર્યક્રમમાં હાજર રહી માર્ગદર્શન આપશે.
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં સંગઠનમાં આમૂલ પરિવર્તનનો કોલ આપ્યા બાદ રાહુલ ગાંધીએ સંગઠનથી માંડીને પાર્ટીના ગુજરાત એકમ પર વ્યક્તિગત નજર રાખવાનું એલાન કર્યું છે. જેના ભાગરૂપે તેઓ છેલ્લા ચાર મહિનામાં ગુજરાતની આ ચોથી મુલાકાતે આવી રહ્યા છે.
ગુજરાત કોંગ્રેસના નેતાઓની ભાજપ સાથેની સાંઠગાંઠના આક્ષેપોમાં તપાસ બાદ વજુદ જણાતા રાહુલે રેસના, લગ્નના ઘોડાઓની ઉપમા આપીને સંગઠનમાં વર્ષોથી હોદ્દા લઈને કોંગ્રેસને જ નુકસાન પહોંચાડી રહેલા કાર્યકરો-નેતાઓને ઘરભેગા કરવાની જાહેરાત કરી હતી.
અલબત્ત, આ દિશામાં હજુ નક્કર પગલાં ભરીને કોઈને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા નથી, પરંતુ આ જાહેરાત કરીને ભાજપ સાથે ભળી ગયેલા નેતાઓને સીધો સંદેશો પહોંચાડવામાં રાહુલ સફળ રહ્યા હોવાનું કોંગ્રેસના આંતરિક સૂત્રો માની રહ્યા છે.
બીજીતરફ કડી અને વિસાવદર બેઠકની વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજ્યથી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વ્યક્તિગત જવાબદારી સ્વીકારીને રાજીનામું ધરી દીધું હતું. પરિણામે કોંગ્રેસ હાઈકમાન્ડને નવા પ્રદેશ પ્રમુખની શોષ આદરવી પડી હતી.
કોંગ્રેસ હાઈકમાન્ડે પ્રદેશ પ્રમુખ પદે આંકલાવના ધારાસભ્ય અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાની પસંદગી કરીને ઓબીસી મતબેંકને અકબંધ રાખવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ચાવડાએ પ્રમુખપદ સ્વીકાર્યાને હજુ ગણતરીના દિવસો જ વીત્યા છે ત્યારે રાહુલ ગાંધીની ગુજરાતની મુલાકાત ગોઠવાઈ છે.
સૂત્રો કહે છે કે, કોંગ્રેસને જિલ્લા સ્તરેથી મજબૂત કરવાના વચનના ભાગરૂપે થોડા સમય પહેલાં ગુજરાતના મોટાભાગના શહેર-જિલ્લા પ્રમુખોની વરણી કરવામાં આવી છે. આ તમામને રૂબરૂ મળીને કોંગ્રેસ સંગઠનને ચેતનવંતુ બનાવવાના ભાગરૂપે રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે.
કોંગ્રેસના નવનિયુક્ત શહેર-જિલ્લા પ્રમુખોને વિધાનસભાની ચૂંટણી માટે અત્યારથી જ ચોક્કસ ગાઈડલાઈન સાથે આગળ વધારવા માટે તાલીમ કેમ્પનું આણંદમાં આયોજન કરવામાં આવ્યું છે. સંગઠન સૂજન અભિયાન અંતર્ગત આ તાલીમ કેમ્પ યોજાઈ રહ્યો છે. અલબત્, રાહુલની મુલાકાત અને તાલીમ કેમ્પ અંગેની સત્તાવાર જાહેરાત ગુરુવારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કરશે.
નવા પ્રદેશ પ્રમુખના પદગ્રહણમાં ગેરહાજર નેતાઓ કેવું વલણ અપનાવશે તેના પર મીટ
નવનિયુક્ત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મંગળવારે પદગ્રહણ કર્યું ત્યારે કોંગ્રેસના જ કેટલાક વરિષ્ઠ નેતાઓની ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી. જોકે, પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ અંગે ઇશારામાં કહ્યું કે, અમિતભાઈએ આ બધી બાબતોની ચિંતા કર્યા વિના વિના આગળ વધવું જોઇએ.
જોકે, ગેરશિસ્ત આચરતા કાર્યકર કે નેતાને સાંખી લેવાશે નહીં તેવું વચન આપનારા રાહુલ ગાંધીની ગુજરાતની મુલાકાત સમયે આ નેતાઓનું વલણ કેવું રહે છે તેના પર સહુની મીટ મંડાઈ છે.