New Delhi,તા.01
બિહારમાં રાહુલ ગાંધીએ વોટર અધિકાર યાત્રા હેઠળ ભાજપ અને એનડીએ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આ દરમિયાન મહારાષ્ટ્રમાં વોટ ચોરીના આરોપો મૂક્યા. તેમણે કહ્યું કે અમે દરેક વોટ ચોરીના પુરાવા આપ્યા છે, તેમ છતાં ચૂંટણી પંચ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી. ભાજપ અને ચૂંટણી પંચે ભેગા મળીને વોટ ચોરી કરી છે. વોટ ચોરીનો મતલબ અધિકારની ચોરી, વોટ ચોરીનો મતલબ અનામતની ચોરી, વોટ ચોરીનો મતલબ યુવાઓના ભવિષ્યની ચોરી લખેલા બેનર બતાવીને મોદી સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે જે લોકોએ મહાત્મા ગાંધીની હત્યા કરી, એ જ શક્તિ હવે બંધારણની હત્યા કરવાના પ્રયાસ કરી રહી છે. પણ અમે એમને આવું નહીં કરવા દઇએ. આ દરમિયાન રાહુલ ગાંધીએ વોટ ચોર ગદ્દી છોડની નારેબાજી પણ કરાવી હતી. તેમણે ભાજપને પડકારતા કહ્યું કે સાંભળી લેજો, માધવપુરામાં અમે એટમ બોમ્બ બતાવ્યો હતો હવે અમે હાઈડ્રોજન બોમ્બ ફોડવાની તૈયારીમાં છીએ. તમારી વોટ ચોરીનું સત્ય હવે આખા દેશને ખબર પડી જશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ કહ્યું કે પીએમ મોદીને ચોરીની ટેવ છે. ક્યારેક તે પૈસા ચોરે છે. તો ક્યારેય વોટ ચોરી કરે છે. તે બિહારમાં પણ વોટ ચોરી કરીને ચૂંટણી જીતવા માગે છે પણ આપણે સાવચેત રહેવું પડશે. બાબા સાહેબ આંબેડકર, ગાંધીજી, નહેરુએ દેશના લોકોને વોટ અધિકાર આપ્યો છે.
બિહારમાં મુખ્યમંત્રી પદના દાવેદાર એવા તેજસ્વી યાદવે પણ કહ્યું કે બિહારની ધરતી લોકતંત્રની જનની છે. ભાજપના લોકો ચૂંટણી પંચ સાથે મળીને લોકતંત્ર અને બંધારણને નાબુદ કરી નાખવા માગે છે. નરેન્દ્ર મોદી ગુજરાતમાં ફેક્ટરી લગાવશે અને વિક્ટ્રીની આશા બિહારમાં રાખશે એવું નહીં ચાલે. આવુ કરીને તેઓ બિહારને ઠગવા માગે છે જે સંભવ નથી. બિહારની પ્રજા આવા લોકોને પાઠ ભણાવશે.