New Delhi તા.24
રૂા.3 હજાર કરોડથી વધુના લોક ફ્રોડ કેસમાં આજે એન્ફોર્સમેન્ટ વિભાગે અંબાણી પરિવારના ઉદ્યોગપતિ અનિલ અંબાણી સાથે જોડાયેલા 50 સ્થળો પર દરોડા શરુ કર્યા છે અને આગામી સમયમાં અનિલ અંબાણી ઉપરાંત અન્ય સામે પણ આકરી કાર્યવાહીની તૈયારી છે.
હજુ બે દિવસ પહેલા જ દેશની ટોચની સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાએ રિલાયન્સ કોમ્યુનીકેશન કે જે એક સમયે અનિલ અંબાણીના નેતૃત્વની ટેલીકોમ કંપની હતી તેના ધિરાણને ફ્રોડ જાહેર કર્યુ છે અને તે સંબંધી સીબીઆઈ કાર્યવાહીની પણ તૈયારી છે તે સમયે ઈડીની કાર્યવાહી નેશનલ હાઉસીંગ બેંક ઉપરાંત સીકયુરીટી એકસચેંજ બોર્ડ ઓફ ઈન્ડીયા (સેબી), બેંક ઓફ બરોડા અને સીબીઆઈ દ્વારા જે બે એફઆઈઆર તથા અનેક નાણાકીય સંસ્થાઓ દ્વારા જે માહિતી આપવામાં આવી હતી.
તે મુદે આ દરોડાનો દૌર શરુ કરાયો છે અને તેમાં મનીલોન્ડ્રીંગ અંગેની તપાસ થઈ રહી છે. ઈડીની તપાસમાં જણાવાયું છે કે બેંકો શેરહોલ્ડરો તથા અન્ય રોકાણકારો, જાહેર સંસ્થાઓના નાણાં મુદે છેતરપીંડી કરીને તે અન્યત્ર ઉપયોગમાં લઈ લેવાયા હતા અને મોટાપાયે નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી હતી જેમાં અનિલ અંબાણી અને તેની સાથે જોડાયેલી 50 કંપનીઓ ઉપરાંત 25 વ્યક્તિઓને આવરી લેતી આ દરોડાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.
જેમાં યસ બેંકના પુર્વ પ્રમોટર સહિત બેંક અધિકારીઓને મોટી રકમની લાંચ આપવા મુદે પણ તપાસ થઈ રહી છે. 2017થી 2019 વચ્ચે રિલાયન્સની અંબાણી ગ્રુપની કંપનીઓને રૂા.3000 કરોડની જે લોન આપવામાં આવી હતી તે સંદર્ભમાં આ તપાસ ચાલુ છે. જેમાં યસ બેંકના પ્રમોટર સાથે પણ સાંઠગાંઠ કરવામાં આવી હતી.
ઈડીની તપાસમાં અનેક પ્રકારની ગેરરીતિ બહાર આવી છે. જેમાં અનેક લોનમાં ઉભી કરાયેલી કંપનીઓ બોગસ હોવાનું પણ માનવામાં આવે છે. જેમાં તમામમાં ચોકકસ લોકો ડિરેકટર હોવાનું બહાર આવ્યું છે. આ ધિરાણ મંજુર કરવામાં પણ બેંક દ્વારા મોટા પાયે દસ્તાવેજો વગેરેમાં પુરતી ચકાસણી કરવામાં આવી ન હતી.
જેમાં નેશનલ ફાઈનાન્સીયલ રિપોર્ટીંગ ઓથોરિટીને પણ સાંકળવામાં આવી છે. રિલાયન્સ હોમ ફાયનાન્સ લી. જે ગ્રુપ કંપની છે તેની આસપાસ આ તપાસ ચાલુ છે. જેને 2017-18માં રૂા.3742 કરોડનું ધિરાણ અપાયું હતું અને એક જ વર્ષમાં તે ધિરાણ વધારીને રૂા.8670 કરોડ થઈ ગયું હતું.