Gandhinagar,તા.17
ગુજરાતના અનેક ભાગોમાં નૈઋત્ય ચોમાસાના વિધિવત પ્રવેશ સાથે જ સાર્વત્રિક મેઘસવારી શરૂ થઈ ગઈ હોય તેમ રાજયના 90 ટકા ભાગોમાં હળવોથી ભારે વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રના ગઢડામાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ થવા સાથે દક્ષિણ તથા મધ્ય ગુજરાતમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. રાજયના 252માંથી 221 તાલુકામાં વરસાદ હતો.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રીપોર્ટ પ્રમાણે ગુજરાતના તમામ 33 જીલ્લાના 221 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રના તમામ તાલુકામાં વરસાદ હતો. ગઢડામાં સૌથી વધુ 252 મી.મી. હતો. રાજયમાં કુલ 69.72 મી.મી. વરસાદ થયો છે અને સિઝનના સરેરાશ કરતા 7.90 ટકા પાણી વરસી ગયુ છે.
સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ તથા મધ્ય ગુજરાતમાં પણ મુશળધાર વરસાદ હતો. ઉતર ગુજરાતમાં જોર હળવુ હતુ. વલસાડના ઉમરગામમાં ત્રણ ઈંચ, નવસારી જીલ્લામાં સાર્વત્રિક એક ઈંચ, સુરતના ઓલપાડમાં સાડા ત્રણ ઈંચ, તાપીના ડોલવાનમાં બે ઈંચ પાણી વરસ્યુ હતું. ભરૂચના હાંસોટમાં સાડા પાંચ ઈંચ વરસાદથી નીચાણવાળા ભાગોમાં જળબંબાકારની હાલત હતી. અંકલેશ્વર તથા વાગરામાં સાડા ત્રણ ઈંચ, ભરૂચમાં અઢી ઈંચ વરસાદ હતો.
મધ્ય ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદ હતો. અમદાવાદ શહેરમાં દોઢ ઈંચ સહિત જીલ્લાના તમામ તાલુકામાં બે ઈંચ સુધીનો વરસાદ હતો. વડોદરાના પાંદરામાં અઢી ઈંચ વરસાદ હતો. ખેડા, આણંદ, છોટા ઉદેપુર, મહિસાગર, પંચમહાલમાં સાર્વત્રિક બે ઈંચ વરસાદ નોંધાયો હતો.
રાજયમાં વિધિવત ચોમાસાના પ્રથમ વરસાદે જ સાર્વત્રિક મેઘકૃપા વરસાવતા લોકોના હૈયે ટાઢક વળી છે. હવામાન વિભાગના રિપોર્ટ મુજબ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે અને ચાલુ સપ્તાહમાં જ વધુ ભાગોને કવર કરી લેશે.