Tapi,તા.9
ગુજરાતમાં એકાદ પખવાડિયાથી એકધારી મેઘસવારી બાદ હવે વરસાદનુ જોર ધીમુ પડયુ હોય તેમ રાજયમાં સૌથી વધુ વરસાદ માત્ર અઢી ઈંચ તાપીના કકરમુંડામાં નોંધાયો હતો. રાજયના કુલ 126 તાલુકામાં સામાન્યથી મધ્યમ વરસાદ હતો.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રિપોર્ટ પ્રમાણે આજે સવારે પુરા થયેલા ચોવિસ કલાક દરમ્યાન રાજયના 31 જીલ્લાના 126 તાલુકાઓમાં વરસાદ હતો. સૌથી વધુ વરસાદનું પ્રમાણ માત્ર 61 મી.મી. હોવાથી જોર ઘટયાનું સાબીત થતુ હતુ. આ સાથે રાજયમાં સિઝનનો અત્યાર સુધીનો વરસાદ 418 મીમી થયો હતો જે 47.38 ટકા થવા જાય છે.
કચ્છમાં બે દિવસ ભારે વરસાદ થયા બાદ હવે માત્ર છુટાછવાયા ઝાપટા વરસ્યા હતા. મધ્ય-ઉતર ગુજરાતમાં પણ સમાન હાલત હતી. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, બોટાદ તથા જામનગર જીલ્લામાં એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.
દક્ષિણ ગુજરાતમાં તાપી જીલ્લાને બાદ કરતા ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ તથા ડાંગ જીલ્લામાં ઝાપટાથી માંડીને દોઢ ઈંચ વરસાદ હતો. તાપી જીલ્લામાં કુકરમુંડામાં 61 મી.મી. તથા નિજરમાં બાવન મી.મી. વરસાદ મુખ્ય હતો.