રાજ્યમાં મધ્ય ગુજરાત તથા મધ્ય પૂર્વ ગુજરાતમાં ઝાપટાનું પ્રમાણ વધારે રહી શકે છે : હવામાન વિભાગ
Ahmedabad, તા.૯
છેલ્લા ૧૦-૧૨ દિવસથી આરામ ફરમાવી રહેલા મેઘરાજા હવે આળસ ખંખેરી શકે છે. આવતું અઠવાડીયું ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવી શકે છે. જોકે, એ પહેલાં જ ધીમે ધીમે વરસાદી માહોલ જામવાની શરૂઆત થઈ શકે છે. કારણ કે હાલ રાજસ્થાન-પાકિસ્તાન સરહદ આસપાસ એક હળવું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે. ઉપરાંત ગુજરાતમાં એક ટ્રફ સક્રિય જોવા મળી રહ્યો છે. જેના કારણે અનુકૂળ વાતાવરણ મળતાં જ્યાં ભેજ હશે ત્યાં ત્યાં હળવો વરસાદ વરસી શકે છે. જોકે, આ વરસાદ ઝાપટા સ્વરૂપે હશે. એ પણ ગણ્યા ગાંઠ્યા વિસ્તારોમાં થઈ શકે છે.
પરંતુ એક વાત ચોક્કસ છે કે હવે ધીમે ધીમે ઝાપટાના પ્રમાણમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી શકે છે. રાજ્યમાં મધ્ય ગુજરાત તથા મધ્ય પૂર્વ ગુજરાતમાં ઝાપટાનું પ્રમાણ વધારે રહી શકે છે. ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ હળવા ઝાપટાં પડી શકે છે. ૧૦ ઓગસ્ટથી ઝાપટાના પ્રમાણ અને વિસ્તારમાં વધારો પણ જોવા મળી શકે છે. વિવિધ વેધર મોડલના એનાલિસિસ પરથી હાલ આ પ્રકારનું ચિત્ર જોવા મળી રહ્યું છે. રવિવારે અમદાવાદ, વડોદરામાં પણ ઝાપટાં પડે તો નવાઈ નહીં.
જોકે, હજુ ૧૫-૧૬ ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના નહીંવત છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ૧૩ ઓગસ્ટે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર બની શકે છે. વિવિધ વેધર મોડલ અને નિષ્ણાતો માની રહ્યા છે કે ૧૩ ઓગસ્ટે બનનારી આ સિસ્ટમ જ ગુજરાતના ખેડૂતોની વરસાદની ભૂખ ભાંગી શકે છે.
હાલના અનુમાનિત ટ્રેક મુજબ જ આ સિસ્ટમ આગળ વધશે તો આખા ગુજરાતમાં ધોધમાર વરસાદની સંભાવના છે. એમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોને તરબોળ કરીને પૂરનું સ્થિતિનું નિર્માણ કરી શકે છે. હાલ સૌરાષ્ટ્રના જિલ્લામાં ખરીફ સિઝનને પિયત ચાલી રહ્યું છે. ત્યારે આ વરસાદની ખેડૂતો ખુશખુશાલ થઈ શકે છે.