Gondal,તા.11
ગોંડલના ઉમવાડા ચોકડી નજીકથી રાજકોટ રૂરલ એસઓજી ટીમે 5.749 કિલો ગાંજા સાથે જેતપુર અને રાજસ્થાનના શખ્સની ધરપકડ કરી છે. બંને શખ્સો રાજસ્થાનથી જથ્થો લઇ લકઝરી બસ મારફત રાજકોટ આવ્યા હતા અને ગાંજો વેચવા ગ્રાહકની શોધમાં ગોંડલ પહોંચ્યાનો ખુલાસો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં થયાનું જાણવા મળ્યું છે. ગાંજો આપનાર રાજસ્થાની શખ્સ જેતપુર ખાતે કપડાં સારા અને સસ્તા મળતા હોય ખરીદી માટે સાથે આવ્યો હતો ત્યારે એસઓજીએ સપ્લાયર અને પેડલર બંનેની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 5.749 કિલો માદક પદાર્થ અને ફોન મળીને કુલ 61,490 નો મુદામાલ કબજે લઇને એનડીપીએસ અંતર્ગત ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ એસઓજી ઉમવાડા ચોકડી પાસે આવેલા લોખંડનાં ઓવરબિજ પાસે સંજુ દિપકભાઈ વાઘેલા (રહે. જેતપુર) અને મહેન્દ્રભાઈ ઉર્ફે રાજેશ હલીયાભાઈ કટારા(રહે. રાજસ્થાન)ને 5.749 કિલોગ્રામ માદક પદાર્થ ગાંજો, બે મોબાઈલ મળી કુલ 61,490 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા અને ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, જેતપુરનો સંજુ વાઘેલા ગાંજો લેવા રાજસ્થાન ગયો હતો. જ્યાંથી 5.749 કિલો ગાંજો લઈને પરત આવવા નીકળતા રાજસ્થાની સપ્લાયર મહેન્દ્ર કટારાને કપડાં લેવા હોય અને જેતપુર ખાતે કપડાં સસ્તા મળતા હોય તે પણ સાથે આવ્યો હતો. સંજુ વાઘેલા અને મહેન્દ્ર કટારા લકઝરી બસમાં રાજકોટ સુધી આવ્યા હતા અને ત્યારબાદ ગાંજો વેચવા ગ્રાહકની શોધમાં ગોંડલ ગયાં હતા. દરમિયાન રૂરલ એસઓજીની ટીમે બંનેને ઝડપી લીધા હતા.