Mumbai,તા.29
ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરને ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝની છેલ્લી મેચ દરમિયાન ઈજા થઈ હતી. કેચ પકડતી વખતે તેને સ્પ્લીન (બરોળ)માં ઈજા થઈ હતી. તેને સિડનીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહેવાલ પ્રમાણે તે આગામી થોડા દિવસો સુધી હોસ્પિટલમાં જ રહેશે અને તેને મેદાનમાં વાપસીમાં સમય લાગી શકે છે. આ ઈજા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર છે, ખાસ કરીને ત્યારે જ્યારે આવતા મહિને જ દક્ષિણ આફ્રિકા સામે વનડે સીરિઝ રમાવાની છે. અય્યરની ગેરહાજરીથી સિલેક્ટર્સ સામે એક નવો પડકાર ઊભો થયો છે.
શ્રેયસ અય્યર ભારતની વનડે ટીમમાં ચોથા નંબર પર બેટિંગ કરે છે અને તેનો રેકોર્ડ ખૂબ જ મજબૂત છે. તેણે ઘણી મેચોમાં દબાણની સ્થિતિમાં શાનદાર ઈનિંગ્સ રમીને ટીમને જીત અપાવી છે. જોકે, હવે ઈજાને કારણે તે આફ્રિકા સીરિઝમાંથી લગભગ બહાર થઈ ગયો છે, જેની ટીમની રણનીતિ પર અસર પડશે. આવી સ્થિતિમાં ભારતીય સિલેક્ટર્સની નજર હવે એક નવા ચહેરા પર છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મધ્યપ્રદેશના બેટ્સમેન રજત પાટીદારને અય્યરની જગ્યાએ વનડે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. આ 32 વર્ષીય ખેલાડીએ ઘરેલુ ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કર્યું છે, જેના કારણે તે રાષ્ટ્રીય ટીમ માટે મજબૂત દાવેદાર બન્યો છે.
રજત પાટીદારે IPL 2025માં પોતાની કેપ્ટનશીપમાં RCBને પહેલી વાર ચેમ્પિયન બનાવ્યું હતું. ત્યારબાદ તે ઘરેલુ ક્રિકેટમાં પણ સતત રન બનાવી રહ્યો છે. તેણે તેની છેલ્લી ચાર ફર્સ્ટ-ક્લાસ મેચોમાં બે સદી અને એક બેવડી સદી ફટકારી છે. આ ઉપરાંત બે અડધી સદી પણ સામેલ છે. આ દરમિયાન તેણે પોતાની કેપ્ટનશીપમાં 11 વર્ષ પછી સેન્ટ્રલ ઝોન ટીમને દુલીપ ટ્રોફી ટાઈટલ પણ અપાવ્યું છે.
રજત પાટીદાર અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયા માટે ત્રણ ટેસ્ટ અને એક વનડે રમી ચૂક્યો છે. ટેસ્ટમાં તેણે છ ઈનિંગ્સમાં માત્ર 63 રન જ બનાવ્યા છે. ટીમ ઈન્ડિયા માટે તેણે એકમાત્ર વનડે મેચ ડિસેમ્બર 2023માં દક્ષિણ આફ્રિકા સામે રમ્યો હતો, જ્યાં તેણે 22 રન પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. તેથી, જો રજત પાટીદારને આ સીરિઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવે છે, તો તે તેની કારકિર્દી માટે એક મોટી તક સાબિત થઈ શકે છે.

