New Delhi તા.22
દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરનાર અને પોતાને શ્વાનપ્રેમી ઓળખાવનાર રાજકોટના શખ્સ રાજેશની પોલીસે કરેલી પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. હુમલાખોર આરોપી રાજેશ પોતાના દરેક નિર્ણયો હા કે નાની ચિઠ્ઠી નાખી લેતો હતો. સુત્રોમાંથી જાણવા મળેલી વિગત મુજબ આરોપી કયારેક કયારેક માનસીક રીતે ખૂબ જ આક્રમક થઈ જાય છે.
હુમલા પહેલા આરોપીએ ઉજજૈનના મહાકાલ મંદિરમાં ચીઠી નાંખી હતી કે શું તેશે શ્વાન માટે અવાજ ઉઠાવવા દિલ્હીના મુખ્યમંત્રીને મળવા જવુ જોઈએ કે નહીં જેમાં હા અને નાની ચિઠ્ઠિ નાખ્યા બાદ અકસ્માતે હાની ચિઠ્ઠી હાથમાં આવતા તે આ ચિઠ્ઠિને મહાકાલનો આદેશ માનીને ટિકીટ વિના ટ્રેનમાં દિલ્હી પહોંચ્યો હતો.
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે રાજેશ ખીમજી સાકરીયા ગુજરાતના રાજકોટના કોઠારીયા વિસ્તારમાં ગોકુલ પાર્કમાં જયાં રહે છે ત્યાં શિવમંદિર છે. આ મંદિરમાં ભૈરવની મૂર્તિ પણ છે એવી માન્યતા છે કે ભૈરવની સવારી શ્વાન છે.
આરોપી ભૈરવનો અનન્ય ભકત છે. આ મંદિરની આસપાસ 15 થી 20 શ્વાનો તેણે પાળ્યા છે તેની તે સારસંભાળ રાખે છે.આરોપીની પૂછપરછ કરનારી એજન્સીનાં સુત્રોએ જણાવ્યું હતું કે ખરેખર તો આરોપીએ મોબાઈલ પર સીએમ રેખા ગુપ્તાની કેટલીક સેક્ધડની વીડીયો બાઈટ જોઈ હતી. જેથી રાજેશને લાગ્યુ હતું કે દિલ્હીના 10 લાખ શ્વાનો પર ખુબ જ મોટુ સંકટ આવનાર છે.
આરોપી સૌથી પહેલા રાજકોટથી ઉજજૈન આવ્યો જયાં હા અને નાની ચિઠ્ઠિ નાખી જે હાથ લાગી તેને મહાકાલનો આદેશ માનીને દિલ્હી તરફ નીકળી ગયો હતો. આરોપીએ ખુલાસો કર્યો હતો કે 18 ઓગસ્ટની સાંજે 6-30 વાગ્યે તે ઈન્દોર નવી દિલ્હી એકસપ્રેસ ટ્રેનમાં ટિકિટ વિના જ તે ચડી ગયો હતો.
19 ઓગસ્ટે સવારે લગભગ 6-30 વાગ્યે તે નવી દિલ્હી સ્ટેશને ઉપડી ગયો હતો. ત્યાંથી રાજેશ કારોલ બાગમાં આવેલ હનુમાન મંદિરે પહોંચ્યો હતો. અહીં તેણે હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. બાદમાં તેણે નિર્ણય કર્યો હતો કે તે સીએમ હાઉસે જઈને અનશન કરશે. રાજેશ મેટ્રોમાં સવાર થઈને શાલીમાર બાગ પહોંચ્યો હતો.
ત્યાંથી તે રિક્ષામાં સવાર થઈને સીએમનાં ખાનગી આવાસે પહોંચ્યો હતો. ત્યાં સ્ટાફે તેમને જણાવ્યુ હતું કે સીએમ સાથે બુધવારે સવારે 8-30 થી 9-30 વાગ્યે સિવીલ લાઈન્સના સરકારી આવાસે જન સુનાવણીમાં મુલાકાત થઈ શકે છે.
સુત્રોના જણાવ્યા મુજબ આરોપી અન્ના હજારેની જેમ રામલીલા મેદાનમાં શ્વાન મામલે લાંબો સમય સુધી અનશન કરવાની તૈયારીમાં હતો. તેને લાગતુ હતું કે દેશભરમાં ડોગ લવરના ઉઠી રહેલા અવાજથી તેના અનશનને સમર્થન મળશે. રાજેશે દાવો કર્યો હતો કે તેણે જ રાજકોટમાં ભગવાન શિવનુ પોતાનું મંદિર બનાવ્યુ છે.