Rajkot, તા.23
શહેરમાં કડકડતી ઠંડી ચાલી રહી છે ત્યારે છેલ્લા અઠવાડિયામાં સીઝનલ રોગચાળાના કેસમાં પણ થોડો વધારો થયો છે. આ સપ્તાહે શરદી-ઉધરસ, ટાઇફોઇડ સહિતના મળી દર્દીઓનો આંકડો ફરી ર000ને પાર થયો છે. ચાલુ 2024ના વર્ષમાં શરદી-ઉધરસના કેસનો આંકડો અર્ધો લાખને પાર થઇ ગયો છે, તો ટાઇફોઇડના કેસની પણ સદી થઇ છે.
જોકે ચાલુ વર્ષે ચોમાસા બાદ જે રીતે ડેંગ્યુ સહિતના રોગચાળાએ હાહાકાર મચાવ્યો અને ઘરે ઘરે દર્દીઓના ખાટલા પડયા તે જોતા ખાનગી દવાખાનાઓમાં પણ મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે. ડેંગ્યુ અને મેલેરીયાના કેસ હવે ઓછામાં ઓછા આવી રહ્યાનો દાવો પણ આરોગ્ય વિભાગે કર્યો છે. તો મચ્છર ઉત્પત્તિમાં બેદરકારી બદલ 381 આસામીને નોટીસ ફટકારવામાં આવી છે.
આરોગ્ય અને મેલેરીયા શાખાએ જાહેર કરેલા સાપ્તાહિક રીપોર્ટ મુજબ તા.16-12 થી 22-12ના અઠવાડિયામાં શરદી-ઉધરસના 103ર, સામાન્ય તાવના 838, ઝાડા-ઉલ્ટીના 186 અને ખતરનાક તાવ ટાઇફોઇડના પાંચ દર્દી નોંધાયા છે. શિયાળામાં ગત સપ્તાહે ટાઇફોઇડના બે દર્દી હતા. જે આ સપ્તાહે ડબલથી વધ્યા છે.
ગત અઠવાડિયે સીઝનલ રોગચાળાના દર્દીઓનો આંકડો 1898 હતો જે વધીને 2067 થયો છે. શરદી-ઉધરસના 2024ના વર્ષના કુલ કેસ 50857 થયા છે. તો ટાઇફોઇડના કુલ કેસ પણ 101ને આંબી ગયા છે. ખોરાક અને પાણીજન્ય રોગના દર્દીઓના કેસ ઠંડકમાં પણ વધી રહ્યા છે.
અઠવાડિયામાં ડેંગ્યુના 4 અને મેલેરીયા તથા ચીકનગુનીયાના માત્ર 1-1 કેસ નોંધાયાનું રીપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે. આ ત્રણે મચ્છરજન્ય રોગના દર્દીઓની સંખ્યા નિયંત્રણમાં હોવાનો દાવો મહાપાલિકા તંત્રનો છે.
આરોગ્ય શાખાના જણાવ્યા મુજબ ડેંગ્યુ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્થળોએ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 32,870 ઘરોમાં પોરાનાશક તથા ફિલ્ડવર્કરો દ્વારા 749 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી હતી.
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ સામેલ કરવામાં આવે છે.
રોગ અટકાયતીના ભાગરૂપે રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળે તો આસામીને સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવે છે.
આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 449 મિલ્કતમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 250 અને કોર્મશીયલ 131 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.