રાજકોટ,તા.૭
દિવાળોના તહેવારો પુરા થતા પહેલાં જ ફરી વધ્યો મોંઘવારીનો માર. તુરંત ખાદ્ય તેલના ભાવમાં કરવામાં આવ્યો વધારો. રાજકોટમાં આજે ખૂલતા બજારે ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. આજે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો ભડકો થયો છે. કપાસિયા અને સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. તાજેતરમાં પડેલા વરસાદના કારણે મિલરોને કાચો માલ નહિ મળવાને કારણે પિલાણ ઘટ્યું છે. પિલાણ ઓછું થતાં તેલના ભાવમાં વધારો નોંધાયો છે.
કેટલો થયો તેલનો ભાવ?
કપાસીયા તેલના ડબ્બે ૫૦ રૂપિયાનો વધારો તો પામોલિન તેલના ભાવમાં ડબ્બે ૮૫નો વધારો થયો ૧૫ કિલો કપાસીયા તેલ ૨૧૮૦થી વધીને ૨૨૩૦ રૂપિયા ડબ્બે પહોચ્યું ,પામોલિન તેલના ડબ્બાના ભાવ ૨૦૫૦ થી વધીને ૨૧૫૫ રૂપિયા સુધી પહોંચ્યા,સીંગતેલ ૨૬૩૦થી વધીને ૨૬૫૫ રૂપિયા સુધી પહોંચ્યું
અષાઢ મહિનાથી ભારતીય તહેવારોની ઉજવણીની શરૂઆત થતી હોય છે. ત્યારે દર વર્ષે તહેવારો ટાંણે જ ખાદ્ય તેલોમાં વધારો ઝીંકવામાં આવે છે. ત્યાર બાદ તેમા સતત વધારો થતો જોવા મળે છે. એક તરફ શાકભાજી અને જીવન જરૂરિયાતી વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યાં બીજી તરફ, તેલના ભાવ લોકોને રડાવી રહ્યાં છે. તેલ વગર ભારતીય રસોઈ અધૂરી છે.
અત્યાર સુધી કેટલોભાવ વધ્યો-
૭ સપ્ટેમ્બર – સિંગતેલમાં ૬૦ રૂપિયા અને કપાસિયા તેલમાં ૭૦ રૂપિયા ૨૯ જુલાઈ – ૮૦ રૂપિયાનો વધારો,૧૬ જુલાઈ – ૪૦ રૂપિયાનો વધારો,૪ જુલાઈ – ૭૦ રૂપિયાનો વધારો,૨૯ જુન – ૩૦ રૂપિયાનો વધારો,૫ મે- ૧૦ રૂપિયાનો વધારો થયો છે
સૌરાષ્ટ્રમાં આવેલ ભાવનગર, અમરેલી, રાજકોટ વિસ્તારમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. સારા વરસાદના કારણે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે. જો કે,સતત વરસાદના કારણે મગફળીના પાકમાં રોગ આવી જતા મગફળીનો પાક પીળો થતો જોવા મળી રહ્યો છે. મગફળીમાં મુંડા આવવાના કારણે મગફળી પીળાશ પડતી થવા લાગે છે અને આખરે મગફળીનો છોડ સુકાઈને નષ્ટ થઈ જાય છે. જેથી ઉત્પાદનમાં ઘટાડો થતા ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવે છે. મગફળીના પાક પર અસર થવાથી આગામી સમયમાં તેલના ભાવમાં હજી ભડકો થાય તેવી શક્યતા વધારે છે.