Rajkot,તા.26
ગારીયાધાર તાલુકાના ખોડવદરી ગામમાં હત્યાનો બનાવ બન્યો છે.પતિ સંજય જીણા પંચાસરાએ તેમની પત્ની પૂનમ બેન પંચાસરાની લાકડી અને ધોકા મારીને હત્યા કરી છે. પતિએ પત્નીની આડા સંબંધની ખોટી શંકાને લઈને હત્યા કરી નાખી છે. આરોપી પતિએ તેની પત્નીને હત્યા કરીને એના સાળા લાલજીભાઈને ફોન કર્યો કે તારી બેનને ઝેરી જીવડું કરડી જતા મોત થયું છે.ત્યારે આ જાણકારી મળતા જ તાત્કાલિક મૃતક પત્નીનો ભાઈ ખોડવદરી ગામે આવી ગયો હતો અને તેને જોયું કે મારી બેનને ક્યાંય ઝેરી જીવડું કરડયું હોય તેનો ડંખ શરીર પર નથી, પરંતુ શરીર પર માર માર્યાના નિશાનો છે, એટલે ભાઈ તેની બહેનનો મૃતદેહ ભાવનગર ફોરેન્સિક પીએમ માટે લઈ ગયો હતો, જ્યાં માર મારવાના લીધે મૃત્યુ થયાનો રીપોર્ટ આવ્યો હતો. આરોપી પતિએ હત્યા કરીને તેની પત્નીના પિયર વાળાને જીવડું કરડી ગયું હોવાની વાત કરીને ગુમરાહ કર્યા હતા.જોકે મૃતક મહિલાના ભાઈને હત્યા થઈ છે અને ફોરેન્સિક રિપોર્ટ આવતાની સાથે આરોપીની પોલ ખુલી ગઈ હતી. જેના આધારે મૃતક મહિલાના ભાઈ લાલજીભાઈએ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં તેમના બનેવી સંજયભાઈ પર હત્યાના ગુન્હાની ફરિયાદ લખાવી હતી. ગારીયાધાર પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપી પતિને ઝડપી લીધો છે. આ પતિ પત્ની ગારીયાધારના મેસણંકા ગામે વાડીમાં ભાગ્યુ રાખીને ખેતી કરતા હતા.