Rajkot,તા.26
બોટાદ ટાઉન પોલીસ દ્વારા ગુજસીટોક હેઠળ જેલ હવાલે રહેલા ગેંગ લીડર કુલદિપ માત્રાના હાઇકોર્ટ દ્વારા જામીન મંજુર કરવામાં આવ્યા છે.
કેસની વિગત જોઈએ તો, ફરિયાદી નિલેશભાઈ પ્રેમશંકરભાઈ વ્યાસ તા. ૨૨- ૦૮-૨૦૨૩ના રોજ પાળીયાદ રોડ ઉપર પરમેશ્વર હોટલ ખાતે જમીને હોટલની પાળી ઉપર બેઠેલ હતા કુલદિપભાઈ શિવરાજભાઈ ખાચર અને અન્ય એક અજાણ્યા શખ્સે આવી નિલેશભાઈને અગાઉ કુલદિપ માત્રા વિરુદ્ધ કરેલા કેસો પાછા ખેંચી લેવા ધમકી મારી અને લોખંડના પાઇપથી હુમલો કરી ગંભીર ઇજા પહોચાડેલ. ગુનો નોંધાતા કુલદિપ ખાચરની ધરપકડ કરવામાં થયેલી. આ આરોપી વિરુદ્ધ બોટાદ, સુરેન્દ્રનગર તેમજ રાજકોટ પોલીસમાં ખંડણી, મારામારી, આર્મ્સ એકટ જીવલેણ હુમલાના ઘણા ગુન્હાઓ નોંધાયેલ હોય જેથી પોલીસે કોર્ટમાં ગુજસીટોકની કલમ ઉમેરવાની અરજી કરતા કોર્ટ દ્વારા આ અરજી મંજુર કરવામાં આવેલ અને આરોપીને ગુજસીટોકના ગુન્હામાં પોલીસે વિધિવત ધરપકડ કરી ભુજ જેલ ખાતે મોકલી આપેલ. પોલીસે આરોપી વિરૂદ્ધ સ્પે. ગુજસીટોક કોર્ટમાં ચાર્જશીટ કરેલ. આ ચાર્જશીટમા આરોપીને મેઇન ગેંગ લીડર તરીકે દર્શાવેલ હતો. સ્પેશલ કોર્ટે જામીન અરજી રદ કરતા આરોપી કુલદિપએ પોતાના એડવોકેટ રધુવીર બસીયા મારફત હાઇકોર્ટમાં જામીન અરજી કરેલ. હાઇકોર્ટેમા બન્ને પક્ષકારોની લંબાણપુર્વકની દલીલો ચાલી. આરોપીના એડવોકેટની મુખ્ય દલીલ એવી હતી કે, આરોપી વિરૂદ્ધ જે ગુન્હાઓ નોંધાયેલા છે તેમાના ઘણા ગુન્હાઓ ગુજસીટોકના કાયદાના અમલ પહેલાના છે. ગુજસીટોકના ગુન્હામા ખોટી રીતે સંડોવી દેવામા આવેલ છે. દલીલોને ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે રેગ્યુલર જામીન અરજી મંજુર કરી હતી. આ કેસમાં આરોપી વતી એડવોકેટ રધુવીર આર. બસીયા તથા આશીષ ડગલી રોકાયેલા હતા.