Rajkot, તા. 16
નવા રીંગ રોડ પર અટલ સરોવર, સ્માર્ટ સીટી સહિતના ડેવલપમેન્ટના મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થઇ ચૂકયા છે. પરંતુ આ નવો રીંગ રોડ હજુ વાસ્તવમાં ફોર ટ્રેકના બદલે ટુ ટ્રેક જ રહ્યો છે. આથી રૂડા દ્વારા આ નવા મોટા કામનો કોન્ટ્રાકટ આપવા આગામી સપ્તાહે નિર્ણય લેવામાં આવે તેવા સંકેત છે.
રાજકોટ અર્બન ઓથોરીટી ખાતે આગામી તા.23ને બુધવારે બોર્ડ મિટિંગ મળનારી છે જેમાં રિંગ રોડ-2 ફોર ટ્રેક બનાવવાનો કોન્ટ્રાકટ મંજુર કરવાની સહિતની દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
રિંગ રોડ-2 મહાપાલિકા અને રૂડા તેમ બન્નેની હદમાંથી પસાર થતો હોય આ પ્રોજેક્ટ માટે બન્નેએ પોતાના હદ વિસ્તારના રસ્તા માટે સમાંતર રીતે ટેન્ડર પ્રક્રિયા કરી હતી. દરમિયાન રૂડા કચેરીમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દરખાસ્ત તૈયાર થઇ ગઇ છે, જ્યારે મહાપાલિકામાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઇ છે પરંતુ હજુ દરખાસ્ત કક્ષાએ કાર્યવાહી પહોંચી નથી.
રૂડા હેઠળના વિસ્તારમાં પ્રથમ તબકકામાં 8.2 કિલોમીટરનો રસ્તો આવે છે તે માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે. સૌથી નીચા ભાવ ઓફર કરનાર એજન્સીને કામ આપવા દરખાસ્ત તૈયાર કરાઇ છે.
જે અંગે બુધવારે મળનારી બોર્ડ મિટિંગમાં નિર્ણય કરવામાં આવશે. હવે આ સાથે મહાપાલિકા પણ પોતાની હદમાં આવતા રીંગ રોડના કામ માટે ટેન્ડર પ્રક્રિયા અને દરખાસ્ત પ્રક્રિયા પૂરી કરે તો નજીકના ભવિષ્યમાં નવો રીંગ રોડ વાસ્તવમાં ફોર ટ્રેક ઝડપથી બને તેમ છે.