Rajkot,તા.17
રાજકોટમાં બહુમાળી બિલ્ડિંગનું ફાયર એનઓસી આપવા રૂ. 1.80 લાખની લાંચ લેવાના ગુનામાં પકડાયેલ રાજકોટ મહાનગરપાલિકાના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર વર્ગ-૧ની જામીનઅરજી હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ કેસની હકીકત મુજબ, રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપીઓ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર ભીખુ જીવાભાઇ ઠેબા અને ઇલેશ ખેરની ધરપકડને પગલે સસ્પેન્ડ કરવામાં આવતા એ જગ્યા ઉપર કચ્છના ડિસ્ટ્રિકટ ફાયર ઓફીસર, વર્ગ-૨ અનીલકુમાર બેચરભાઈ મારૂ રાજકોટ મહાનગર પાલિકામાં ઈન્ચાર્જ ફાયર ઓફીસર વર્ગ-૧ તરીકે રાજકોટ ખાતે ચાર્જ સોંપાયો હતો, દરમિયાન તેની સામે ફાયર સેફ્ટી એજન્સીવાળા જયદેવ રમેશભાઈ ઠાકરીયાએ એટલાન્ટીસ હાઈટસની ફાયર સેફટી એન.ઓ.સી. આપવા માટે રૂ।. ૩ લાખની માંગણી પૈકી રૂ. ૧.૨૦ લાખ આપી દીધા બાદ બાકીના ૧.૮૦ લાખ લાંચ ન આપવાની હોવાથી એસીબી કચેરીમાં ફરીયાદ કરી હતી. તેથી એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું, તેમાં ઓફિસમાં ફાઈલમાં રાખીને આપેલી રકમ સ્વીકારતા અનિલ બેચરદાસ મારુ ઝડપાઈ જતા તેને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવેલ અને ચાર્જશીટ ફાઈલ થઈ ગયું છે, ત્યારે અનિલ મારુએ રાજકોટ સેશન્સ કોર્ટમાં કરેલી જામીન અરજી નામંજૂર થતાં તેણે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જામીન અરજી દાખલ કરી હતી. જેમાં આરોપી વતી સિનિયર કાઉન્સેલ નિરૂપમભાઈ નાણાવટી દ્વારા એવી દલીલો કરવામાં આવેલ કે હાલના આક્ષેપીત અનિલ મારુ સામે ચાર્જશીટ થઈ ગયેલ હોય તેમાં પ્રિવિએશ સેંક્શન લેવામાં આવેલ નથી, તેમજ હવે પુરાવાઓ હેમ્પર ટેમ્પર થઈ શકે તેમ ન હોય, આરોપી સારી રેપ્યુટેશન ધરાવે છે તેને શરતોને આધિન જામીન આપવા દલીલ કરી હતી. આક્ષેપીત અનિલભાઈ બેચરભાઈ મારૂ ચીફ ફાયર ઓફિસરની શરતોને આધિન જામીન અરજી મંજુર કરી છે. આ કામમાં આરોપી વતી હાઈકોર્ટના સિનિયર કાઉન્સેલ નિરૂપમ નાણાવટી, રાકેશ દોશી, પ્રતિક જસાણી તથા ગૌતમ ગાંધી રોકાયા હતા.