Rajkot,તા.૧૨
રાજયમાં એક બાજુ બિલ્ડરો દ્રારા નવી જંત્રીનો વિરોધ કરી સરકાર સામે બાયો ચડાવી છે. ત્યારે રાજકોટમાં આજે ૫ થી વધુ બિલ્ડરોને ત્યાં સેન્ટલ જીએસટી વિભાગની ટીમ ત્રાટકતા બિલ્ડર લોબીમાં દોડધામ મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ સેન્ટ્રલ જીએસટીની ટીમ દ્રારા રાજકોટના કેટલાક જાણીતા બિલ્ડરો ઉપર તવાઈ હાથ ધરાઈ છે. જેમાં પ્રાઈડ ગ્રૂપના મોટામવા અને પ્રેમ મંદિર પાસેના કોમર્શિયલ પ્રોજેકટ, ધ વન વર્લ્ડ ગ્રૂપના બાલાજી હોલ પાસેના મંગલમ, વાઈટાલીટી તેમજ નાનામવા પાસેના સર્કલ કોર્પોરેટ વલ્ડ, અંબિકા ટાઉનશીપ, પીપળીયા એમ્પાયર, પીપળીયા હોલ કોઠારીયા, આઈકોનીક વલ્ડના કાંગશીયાળી પ્રોજેકટ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.પ્રાઇડ ગ્રુપના સંચાલક રોહિત રવાણી અને ધ વન વર્લ્ડ ગ્રુપના સંચાલક પ્રિતેશ પીપળીયા છે.
સૂત્રોની માહિતી મુજબ તપાસ દરમિયાન જીએસટીની ટીમને ડિજિટલ ડેટા મળી આવતા હસ્તગત કરવામાં આવ્યો છે. જેમાં આઇટી વિભાગ પણ જોડાશે અને સાંજ સુધીમાં મોટી કરચોરી બહાર આવે તેવી શકયતા છે.