જવાબદારોને તા. ૧૮મીએ સીવિલ કોર્ટમાં હાજર રહેવા નોટિસ
Rajkot,તા,18
રૈયા રોડ વિસ્તારમાં ગેરકાયદે કબજો કાયદેસર કરવાના સરકા૨ના વટહુકમના ફોર્મ ભરેલ હોવા છતા પશ્ચિમ વિભાગના મામલતદારે કબજો ખાલી ક૨વા આપેલી નોટીસ સામે 15 જેટલા આસામીઓએ સિવિલ કોર્ટમાં ધા નાખતા કલેકટર, મામલતદારને તા. ૧૮મીએ સીવિલ કોર્ટમાં હાજર રહેવા નોટિસ કાઢી છે.
આ અંગેની હકીકત મુજબ રૈયા રોડ શ્રીજી પાર્કમાં વર્ષોથી રહેતા જસવંતભાઈ કાનાભાઈ ધોળકીયા, રાજેશભાઈ ડાંગર, રમેશભાઈ ધંધુકીયા, બીપીનભાઈ પુરોહિત, બાબુભાઈ ભરવાડ, નવઘણભાઈ બાંભવા, ભરતભાઈ બાંભવા, નરસંગભાઈ ડાંગર, શારદાબેન બાહુકીયા સહિતના ૧૫ જણા રાજકોટ શહેરમાં પશ્ચિમ મામલતદારે આ તમામ રહેવાસીઓને જગ્યા ખાલી ક૨વા નોટીસ આપી હોય, આ તમામ લોકોએ મામલતદારના હુકમ સામે નારાજ થઈ સિવિલ કોર્ટમાં આ રહેઠાણની જગ્યાઓ મિલકતોનો કબજો ખાલી કરાવે નહીં, બાંધકામ પાડે નહી તે મતલબનો મનાઈ હુકમ માંગ્યો છે, જેમાં જણાવ્યા મુજબ, તમામ અરજદારો આ જગ્યાએ ૨૦ થી ૨૫ વર્ષોથી રહે છે અને માલીકી કબજો ભોગવટો ધરાવે છે અને મામલતદાર કાયદાના નિયમ વિરૂધ્ધ જઈ વાદીઓના કુંટુંબીજનોની મિલકતનો કબજો લઈ અને હાંકી કાઢવા માંગે છે. કાયદાની પ્રક્રિયા વગર કબજો ભોગવટો લઈ જઈ શકાતો નથી. રાજય સરકાર દ્વારા વટહુકમ દ્વારા ગેરકાયદેસર કબજો ભોગવટો કાયદેસર કરવા સરકારમાં કાયદો વિધાનસભામાં પ્રસાર કરેલ છે અને જેમાં ચાર્જ લઈ કાયદેસર કરી આપવાનું સરકારે નકકી કરી અને રાજયમાં હજારો લોકોને મકાન કાયદેસર કરી આપેલ છે. અમોએ પણ સરકારના ઉપરોકત વટહુકમ મુજબ આ યોજના અમોને લાગુ પડતી હોવા છતા તેનો લાભ આપવા અને મામલતદાર પોતાની મિલકતોનો કબજો લઈ અને બાંધકામ દુર કરે નહી તે માટે મનાઈ હુકમની માંગણી કરી હતી. જે અનુસંધાને કોર્ટે કલેકટર, રાજકોટ પશ્ચિમ મામલતદાર અને સ્ટેટ ઓફ ગુજરાત ત્રણેને નોટીસ કરી તા.૧૮/૦૧/૨૫ ના રોજ સવારના ૧૧ કલાકે સિવિલ કોર્ટમાં હાજર રહેવા માટે નોટીસ ઈસ્યુ કરવામાં આવી છે. આ કામમાં ૧૫ વાદીઓ તરફે ધારાશાસ્ત્રી દીલીપ પટેલ, કલ્પેશ નસીત, નૈમિષ જોષી, હિરેનભાઈ રૈયાણી તથા અનિતા રાજવંશી રોકાયા છે.