Rajkot,તા,23
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની બાલ્યાવસ્થાની લીલાભૂમિ રાજકોટના સદર વિસ્તારમાં આવેલી 155-વર્ષ જૂની ઐતિહાસિક રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા નંબર 8ની સુરત પોલીસ કમિશ્નર, પૂર્વ રાજકોટ અને વડોદરા પોલીસ કમિશ્નર, સંસ્કૃતિ-સાહિત્ય-સંગીત-શિક્ષણ-પ્રેમી અનુપમસિંહ ગહલૌત (આઈપીએસ)એ મુલાકાત લીધી હતી.
ઝવેરચંદ મેઘાણીના પૌત્ર, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટના પ્રણેતા પિનાકી નાનકભાઈ મેઘાણીએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું. નેશનલ યુથ પ્રોજેકટના રાજેશભાઈ ભાતેલીયા, વાલજીભાઈ પિત્રોડા, શિક્ષકો હિનાબેન શાહ અને સેજલબેન પરમાર આ અવસરે ઉપસ્થિત રહ્યાં હતાં.
આ સ્મૃતિ-સ્થળમાં સ્થાપિત મેઘાણી-પ્રતિમાને અનુપમસિંહ ગહલૌત (આઈપીએસ)એ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મેઘાણીગાથા પ્રદર્શન, મેઘાણી-સાહિત્ય કોર્નર અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી બાળ પુસ્તકાલયને રસપૂર્વક નિહાળ્યા હતા. જ્યાંથી 1901માં ઝવેરચંદ મેઘાણીએ શાળા-શિક્ષણનો આરંભ કર્યો હતો તે રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત તે સમયની આ ઐતિહાસિક તાલુકા શાળાનો ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત સુયોગ્ય રીતે જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો છે.
ચોટીલાની પોલીસ-લાઈન અને પોલીસ-પરિવારમાં જન્મેલાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું લાઈન-બોય તરીકે ગુજરાત પોલીસ સવિશેષ ગૌરવ અનુભવે છે. વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન-કવનમાંથી પ્રેરિત થાય છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં એમનું અનન્ય અને મહામૂલું પ્રદાન ક્યારેય વિસરાશે નહીં, સદાય અજરામર રહેશે તેમ અનુપમસિંહ ગહલૌત (આઈપીએસ)એ લાગણીભેર અંજલિ અર્પી હતી.
રાજકોટ અને વડોદરા પોલીસ પોલીસ કમિશ્નર તરીકે યશસ્વી કાર્યકાળ દરમિયાન અનુપમસિંહ ગહલૌત (આઈપીએસ)એ ઝવેરચંદ મેઘાણીની પુણ્યસ્મૃતિમાં મેઘાણી વંદના સ્વરાંજલિ કાર્યક્રમોનું આયોજન, મેઘાણી-સાહિત્ય કોર્નર અને મેઘાણી-તકતીની સ્થાપના, કસુંબીનો રંગ અને મેઘાણીગાથા પુસ્તકનું પ્રકાશન, ઘાયલ મરતા મરતા રે અને રઢિયાળી રાત મ્યુઝિક સીડીનું નિર્માણ માટે લાગણીથી પ્રેરાઈને સહયોગ આપ્યો હતો તે બદલ પિનાકી મેઘાણીએ હ્રદયથી આભાર માન્યો હતો.