ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશને આવકારીને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાને અભિનંદન પાઠવ્યા
Rajkot,તા.01
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા રાજ્યમાં કાયદાના સ્નાતકોને વકીલાતની તાલીમ અનુસૂચિત જાતિના વકીલોને સ્ટાયપેન્ડ યોજના હેઠળ અનુસૂચિત જાતિના તાલીમી વકીલોને ચૂકવાતી સ્ટાયપેન્ડ સહાયમાં કરવામાં આવેલા જંગી વધારાને રાજકોટ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશને આવકારીને રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાને અભિનંદન પાઠવ્યા છે.
સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જેમને આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે શરૂઆતના વર્ષોમાં નાણાકીય મુશ્કેલી અનુભવતા અનુસૂચિત જાતિના વકીલોને અગાઉ પ્રથમ વર્ષેઃ માસિક ₹.૧૦૦૦/-, બીજા વર્ષેઃ માસિક ₹.૮૦૦/-, ત્રીજા વર્ષેઃ માસિક ₹ ૬૦૦/- સ્ટાયપેન્ડ સહાય અને તાલીમ આપનાર સિનિયર વકીલને માસિક ૫૦૦/- લેખે ત્રણ વર્ષ સુધી આપવામા આવતા હતા, તે વધારીને અનુક્રમે રૂ. ૭૦૦૦, રૂ. ૬૦૦૦ અને રૂ. પ૦૦૦, તાલીમ આપનારને રૂ. ૫૦૦૦ હજાર ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દરમિયાન સરકારના આ નિર્ણયને રાજકોટ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશને આવકાર આપ્યો છે, અને અગાઉની રાજકોટ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની રજૂઆતોને ધ્યાને લઇ સ્ટાઈપેન્ડ વધારવામાં આવતા રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા, મુખ્યમંત્રી વગેરેને અભિનંદન પાઠવ્યા છે.
આ બાબતે લાભ લેવા ઇચ્છતા અનુસૂચિત જાતિના વકીલોને આ અંગે https://esamajkalyan.gujarat.gov.in પર જરૂરી આધારો સાથે ઓનલાઇન અરજી કરવા જણાવ્યું છે. રાજકોટ ડિસ્ટ્રિકટ બાર એસોસિએશનનાં પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, ઉપ પ્રમુખ ભરતભાઈ અંબાણી, હરેશ પરસોંડા, સેક્રેટરી નયનાબેન ચૌહાણ તથા અશ્વિન ગોસાઈ, જોઈન્ટ સેક્રેટરી જતીન ઠકકર, નીવીદ પારેખ, ટ્રેઝરર દિવ્યેશ છગ તથા અજય ચાંપાનેરી, લાઈબ્રેરી સેક્રેટરી વિરેન રાણીંગા તથા કિશન રાજાણી, કારોબારી સભ્યો વગેરે અવકાર આપ્યો છે.