Rajkot, તા. 16
રાજકોટ મહાપાલિકામાં આજે ફરી એક વખત નાગરિક સુવિધા કેન્દ્ર અને આધાર કેન્દ્ર બહાર સેંકડો અરજદારોની લાઇન લાગી ગઇ હતી. ખુલતા સપ્તાહે થોડી ભીડ દર અઠવાડિયે હોય છે, પરંતુ છેલ્લા દિવસોથી ઇ-કેવાયસી, વિદ્યાર્થીઓના અપાર કાર્ડ, રોજિંદી અન્ય નોંધ માટે પણ લોકોની ભીડ વધી હોય, કામકાજના દિવસોમાં લોકોના કિંમતી સમયનો બગાડ થઇ રહ્યો છે.
નામમાં એન્ટ્રીના આવેલા નવા નિયમના કારણે અનેક નાગરિકને આધાર કાર્ડ અપડેટ પહેલા જન્મના દાખલામાં સુધારા કરવા જવું પડતું હોય, આધાર કેન્દ્ર જેવી જ હાલત સીવીક સેન્ટરની પણ થઇ ગઇ છે.
શનિ-રવિની રજા બાદ આજે સોમવારે રાબેતા મુજબ આધાર કેન્દ્ર અને જન્મ-મરણના દાખલા આપતા સિવિક સેન્ટર ખુલ્યા હતા. અનિવાર્યતા માટે અનેક અરજદારો કચેરી ખુલે તે પહેલા કોર્પો.એ પહોંચી જાય છે. મનપા સિવાય પણ પોસ્ટ ઓફિસ, અમુક બેંકો, રાજય સરકારની કચેરીઓમાં આધાર કાર્ડના કામ થાય છે, પરંતુ મોટા ભાગે લોકો કોર્પો.એ જવાથી જ ભલુ થશે તેવું માને છે. આથી મનપા ઉપર બોજ વધ્યો છે.
આજે સવારે આધાર કેન્દ્ર બહાર લાગેલી લાઇન છેક પદાધિકારીઓના પાર્કિંગ સુધી પહોંચ્યા બાદ ગેટ સુધી પહોંચી ગઇ હતી. તો સામે સિવિક સેન્ટર બહારની દિવાલે પણ લોકોની લાઇન હતી. કોર્પો.માં તમામ કીટ એકટીવ થયા બાદ હાલ સેન્ટ્રલ ઝોનમાં 7, ઇસ્ટ ઝોનમાં 6 અને વેસ્ટ ઝોનમાં પાંચ કીટથી કામ ચાલુ છે. એક કીટમાં સરેરાશ 40 જેટલી એન્ટ્રી સાથે રોજ 700 જેટલા આધાર કાર્ડના કામ થઇ શકે છે. પરંતુ હાલ ત્રણે ઝોનમાં લાઇનો લાંબી થતી જાય છે.
હાલ રાશન કાર્ડમાં ઇ-કેવાયસીનું કામ ચાલે છે. તો જુદા જુદા રોજિંદા સરકારી કામોથી માંડી પાસપોર્ટ સુધીની અરજીમાં નામ-સરનામા એકસમાન હોય તેવા ડોકયુમેન્ટ જ ચાલતા હોય, તેમાં સુધારા માટે તો અરજદારો આવતા જ હોય છે. વળી થોડા સમયથી વિદ્યાર્થીઓના ‘અપાર કાર્ડ’ની નોંધણી ચાલુ છે. આથી આધાર કાર્ડ અને જન્મના દાખલામાં નામ કે નામ લખવાની પધ્ધતિમાં ફેરફાર હોય તો અરજી રીજેકટ થાય છે.
આધારમાં એન્ટ્રી માટે જન્મના દાખલામાં પિતા અને દાદા સહિતના નામનું ફોર્મેટ જરૂરી બનાવાયું છે. આથી અનેક વખત આધાર અને જન્મના દાખલામાં એકસાથે સુધારા કરાવવા પડે છે. આજે આધાર કેન્દ્ર અને સિવિક સેન્ટર બંને બિલ્ડીંગ બહાર લાઇન લાગી હતી. આ દરમ્યાન વધુ સમય બગડતા અને વારો ન આવતા અનેક નાગરિકોએ દેકારો કર્યો હતો.
કેટલાક વચ્ચે ચકમક પણ જરતી રહેતી હતી. ખરેખર વિદ્યાર્થીઓના કામ માટે શિક્ષણ વિભાગ તેઓની સંલગ્ન કચેરીમાં અલગ કીટની વ્યવસ્થા કરે તો આ સામાન્ય કામ માટે ધસારો ટળી શકે તેમ છે. જન્મ-મરણ વિભાગ ઉપર પણ આ નવું ભારણ આવ્યું છે છતાં વિભાગ સ્થિતિ સમજીને દાખલામાં જરૂરી સુધારા વધારા ઝડપથી કરે છે.
ભુતકાળમાં આધાર કાર્ડના કામ માટે ટોકન સિસ્ટમ અમલમાં હતી. કોરોના વખતે આ વ્યવસ્થા લાંબી ચાલી હતી પરંતુ તે બાદ ટોકન લઇ જતા લોકો કોઇપણ સમયે આવે અથવા ન આવે તો અન્ય લોકોનો વારો પણ લાગતો નથી અને કામ પણ થતું નથી. આથી ફરી ટોકન પ્રથા શરૂ કરવી પણ ચિંતાનો વિષય તંત્રને લાગે છે.
મોબાઇલ નંબર બદલવા અલગ કીટ : વડીલો-સગર્ભાને અગ્રતા
આધાર કાર્ડની ઘણી કામગીરી લોકો જાતે ઓનલાઇન કરી શકે છે. પરંતુ ઘણી એન્ટ્રી માટે કચેરીએ જ જવું પડે છે. મોબાઇલ નંબરમાં ફેરફાર, આવી જ એક પ્રક્રિયા છે. આથી આ ટુંકી કામગીરી માટે પણ આવતા નાગરિકોને કડાકૂટવાળી લાઇનમાં બેસવું પડે છે. આ સંજોગોમાં વિભાગે મોબાઇલ નંબર બદલવા માટે અલગ કીટ ફાળવી છે.
વિભાગના ઇન્ચાર્જ અધિકારી નરેન્દ્ર આરદેસણાએ જણાવ્યું હતું કે, મોબાઇલ નંબરમાં ફેરફાર માટે પાંચેક મીનીટનો જ સમય જોઇએ છે. આથી આ કામ માટે આવતા લોકો માટે મોટા ભાગે એક કીટ જુદી રહે છે. આ અરજદારોને અલગ બોલાવી લેવામાં આવે છે. બાળકો, વડીલો અને સગર્ભા બહેનોનો પણ સમય ન બગડે તેવા પ્રયાસો કરવામાં આવે છે.