Rajkot, તા. 24
રાજકોટ મહાપાલિકાનું વહીવટી તંત્ર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ નવા વળાંક પર આવીને સુષુપ્ત જેવી હાલતમાં આવીને ઉભુ રહી ગયું છે. નવનિયુકત કમિશ્નર તુષાર સુમેરાએ ફિલ્ડમાં રહીને લોકોના પ્રશ્નો ઉકેલવા અને કામ કરવાની તૈયારીના સંકેત આપ્યા છે ત્યારે સાત મહિનામાં દોઢ ડઝન જેટલા અધિકારીઓ અને કર્મચારીઓએ આપેલા રાજીનામાનો પ્રવાહ રોકવો મોટો પડકાર છે.
છેલ્લા થોડા દિવસોથી વધુ અધિકારીઓ રાજીનામા આપનાર હોવાની ચર્ચા વચ્ચે વધુ બે ઇજનેરે નોકરી છોડવાના રાજીનામાપત્ર આપી દીધા છે. અનેક વિભાગો અને કામગીરી ઇન્ચાર્જના હવાલે છે.
કોર્પોરેશનના પર્યાવરણ ઇજનેર તરીકે થોડા સમય પહેલા પ્રજેશ સોલંકીએ રાજીનામુ આપ્યું હતું. તેમણે ફરી મુળ નાયબ ઇજનેરની જગ્યાએ જ કામ કરવા ઇચ્છા દર્શાવી હતી. પરંતુ પૂર્વ કમિશ્નરે તેમને મુકત કર્યા ન હતા. હવે નવા કમિશ્નરના કાર્યકાળમાં તેઓએ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવવાનો ઇરાદો યથાવત રાખ્યો છે ત્યારે અન્ય બે ઇજનેરોએ નોકરી છોડવા નિર્ણય કર્યો છે.
મ્યુનિ. કોર્પોરેશનના વર્તુળોમાંથી મળતી વિગત મુજબ સ્માર્ટ સીટી અને વોટર વર્કસ વિભાગમાં ડે.ઇજનેર તરીકે ફરજ બજાવતા અધિકારી સોંડાગરે પદ પરથી રાજીનામુ આપ્યું છે. તેઓ સીવીલ આસી. ટાઉન પ્લાનર છે તો અગાઉ ટીપી શાખામાં ફરજ બજાવતા અને તે બાદ બદલી પામેલા નિષ્ઠાવાન અધિકારી અંબેશ દવેએ પણ ફરી ડે.ઇજનેર તરીકે રાજીનામુ રજૂ કર્યુ છે.
નવા કમિશ્નર પાસે આ બે નવા રાજીનામા પહોંચ્યા છે. આ અગાઉ વોટર મેનેજમેન્ટ, સ્માર્ટ સીટી, સીટી ઇજનેર સહિતની ઉચ્ચ કેડરમાં રાજીનામાનો દૌર ચાલ્યો હતો. અગ્નિકાંડ બાદ ટીપી સહિતની શાખામાં પણ ધડાધડ રાજીનામા પડયા હતા. ટીપીમાં નિમણુંક થવાના કારણે પણ એક બે અધિકારીએ નોકરી છોડવાની ઇચ્છા વ્યકત કરી દીધી હતી.
એક રીતે છેલ્લા છ-સાત મહિનામાં કોર્પો.માં અવિશ્વાસનું મોટુ વાતાવરણ દેખાયું હતું. આ વાતાવરણ ફરી જીવંત કરવાની જવાબદારી નવા કમિશ્નર ઉપર છે. ફિલ્ડમાં દોડવાનો ઇરાદો રાખતા કમિશ્નર સાથે તેમની ટીમનું ટયુનીંગ ખુબ મહત્વનું બનવાનું છે.
દરમ્યાન હાલ તો બે અધિકારીએ રાજીનામા આપ્યા છે. હજુ અમુક વિચારણામાં છે. કેટલાક ‘રીપીટ’ રાજીનામા મૂકશે તેવું સંભળાઇ રહ્યું છે. કોર્પો.માં હાલ કોઇપણ કામગીરી કે નિર્ણય લેવામાં અધિકારીઓ છાશ પણ ફૂંકી ફૂંકીને પીતા હોય તે પ્રકારે કામ કરે છે.
હાલ રાજકોટ કોર્પો.ની ટીપી શાખાની કામગીરીના પડઘા સરકાર સુધી પડતા રહે છે. બિલ્ડરથી માંડી આર્કિટેકટ એસો. દ્વારા સરકારમાં પ્લાન કમ્પલીશન માટે સતત ફરિયાદો કરવામાં આવે છે. છ મહિનાથી 300થી વધુ બીયુ ફસાઇને પડયા છે.
સરકારના અભિપ્રાય બાદ કમિશ્નર અને ટીપીઓ શું નિર્ણય લે તેના પર મોટો મદાર છે. આ દરમ્યાન સરકારમાંથી ઇન્ચાર્જ તરીકે આવેલા ટીપીઓ પણ ટીપી શાખાના ભાગલા પડયા બાદ સત્તાવાર અને સરકારી કામગીરી સિવાય બહુ રસ ન લેતા હોવાની છાપ છે. આથી આ અધિકારી શું બદલાશે તે ચર્ચાએ પણ જોર પકડયું છે.
ટીપી શાખાની કામગીરીના ટુકડા કરીને ઇજનેરો અને ડે.કમિશ્નરોના ટેબલ હવાલે કરવામાં આવ્યા છે. આથી હવે ફરી ટીપી શાખાનું મુળ સ્વરૂપમાં વેલ્ડીંગ કરવા પણ અવારનવાર સૂચનો થતા હોય, ટીપીઓનો ચાર્જ અન્ય કોઇ અધિકારીને સોંપવામાં આવે તેવી શકયતા છે.
ટીપીઓની એક જગ્યાની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ સરકારે મૂકેલા ટીપીઓને બદલવાનો નિર્ણય તો સરકાર જ લઇ શકશે. આથી હજુ વહીવટી તંત્રમાં કેટલાક ફેરફારો આવવાના સંકેત છે.